અત્યાર સુધી કોઈ બોલર સતત આટલી મેડન ઓવર ફેંકી શક્યો નથી, રેકોર્ડ હજુય તૂટ્યો નથી
બાપુ નાડકર્ણીએ ૫૯ વર્ષ પહેલા આજના જ દિવસે (૧૨ જાન્યુઆરી) રેકોર્ડ બોલિંગ કરી હતી. ૧૯૬૪માં તેમણે ઈંગ્લેન્ડ સામે મદ્રાસમાં (હવે ચેન્નાઈ) રમાયેલી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં સતત ૨૧ મેડન ઓવર ફેંકી હતી. તેમનો આ રેકોર્ડ આજે પણ અકબંધ છે. અત્યાર સુધી કોઈ બોલર સતત આટલી મેડન ઓવર ફેંકી શક્યો નથી. આ મેચમાં ભારતે પ્રથમ દાવ સાત વિકેટ ગુમાવીને ૪૫૭ રન પર ડિકલેર કર્યો હતો. આ મેચ ૧૦ જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને ઈંગ્લેન્ડ ૧૧ જાન્યુઆરીએ બેટિંગમાં આવ્યું હતું.
એ જ દિવસે બાપુ નાડકર્ણીએ દમદાર બોલિંગ કરી સળંગ મેડન ઓવર ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો અને ઈંગ્લેન્ડના બેટ્સમેનો રન બનાવવા જ ન દીધા. બાપુ નાડકર્ણીએ ઈંગ્લેન્ડના પ્રથમ દાવમાં બેટ્સમેનોને રન બનાવવા દીધા ન હતા. તેમણે સળંગ ૨૧ મેડન ઓવર ફેંકી હતી. જાેકે આટલી સારી બોલિંગ ફેંકવા છતા તેમને એક પણ વિકેટ મળી નહીં. બાપુ નાડકર્ણીએ ૩૨ ઓવર નાખી અને માત્ર પાંચ રન આપ્યા હતા. જેમાં તેણે કુલ ૨૭ મેડન ઓવર નાંખી હતી. તેની એવરેજ માત્ર ૦.૧૫ હતી.
બાપુ નાડકર્ણી તેમની ચુસ્ત લાઈન-લેન્થ માટે જાણીતા હતા. તેમણે બેટ્સમેનોને રન બનાવવાની તક આપી ન હતી. તેમણે બીજી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરી હતી. બીજા દાવમાં બાપુ નાડકર્ણીએ છ ઓવર અને ચાર મેડન ઓવર નાંખી હતી. જાે કે આ ઈનિંગમાં તેમને વિકેટ મળી હતી. તેમણે છ રન આપીને બે વિકેટ લીધી હતી. સળંગ મેડન ઓવર ફેંકવાનો તેમનો રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી.
પ્રથમ દાવમાં મોટો સ્કોર કરી ઈંગ્લેન્ડને ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખ્યા બાદ પણ ભારત આ મેચ જીતી શક્યું ન હતું અને મેચ ડ્રો રહી હતી. ઈંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં ૩૧૭ રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા ૧૪૦ રનની લીડ સાથે રમવા ઉતરી હતી. જાેકે બીજી ઈનિંગમાં ભારતીય બેટિંગ બહુ સફળ રહી ન હતી. ભારતે તેનો બીજાે દાવ નવ વિકેટના નુકસાને ૧૫૨ રન પર ડિકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવીને ૨૪૧ રન બનાવ્યા હતા અને મેચ ડ્રો કરી હતી.