આગામી વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં આવનારા દેશ વિદેશના રોકાણકારો ઉદ્યોગકારો સમક્ષ ધોલેરા એસ.આઈ.આર અને ઇન્ટરનેશનલ સ્માર્ટ સિટીને ઇન્વેસ્ટંમેન્ટ ડેસ્ટિનેશન તરીકે શો કેશ કરવાની નેમ વ્યકત કરી છે. આ માટે આંતરમાળખાકીય સુવિધાઓ સહિતની કામગીરીમાં વેગ લાવીશું તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાવિ પેઢીના સપના સાકાર થવાની દિશા હવે ખુલી છે. નયા ભારતના નિર્માણની વડાપ્રધાનની નેમમાં સુર પુરાવતા નયા ગુજરાતના નિર્માણ દ્વારા સંતુલિત વિકાસ માટે આ સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે આજે ધોલેરા માં 20 એમ.એલ.ડી ક્ષમતાના કોમન એફલુયન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ધોલેરાને પાણી પૂરું પાડવા પીપળી ધોલેરા પાઇપ લાઈન કામોનો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ધોલેરાના સોનેરી ભાવિના દ્વાર હવે ખુલ્યા છે તેવો વિશ્વાસ વ્યકત કરતા વિકાસની ટીકા આલોચના કરનારાઓને પડકાર કર્યો હતો કે વિકાસની રાજનીતિ શું કહેવાય અને સાચો વિકાસ કોને કહેવાય એ જોવા માટે વિરોધના ચશ્મા ઉતારીને ધોલેરા જોવા આવો.
મુખ્યમંત્રી શ્વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ધોલેરાને વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સીટી અને ગુજરાતના સ્માર્ટ સીટીમાં સૌથી શ્રેષ્ઠ સ્માર્ટ સીટી બનાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ધોલેરાને વિશ્વના નકશે ચમકાવવાની નેમ પાર પાડવા 3000 કરોડના આંતરમાળખાકીય સુવિધા કામો ધોલેરા એસ.આઈ.આર.માં સરકારે ઉપાડ્યા છે.
વિજયભાઈ રૂપાણીએ ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક.અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ, પાણી, વીજળી, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક જેવી અદ્યંતન સમયાનુકુલ સવલતો વિકસાવવામાં આવી રહી છે તેમ આ તકે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ધોલેરા અમદાવાદ ટ્વીન સિટી તરીકે વિકસાવવાની, ધોલેરા અમદાવાદ ૮ લેન હાઇવે બનાવવાની પણ જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યુ કે ધોલેરાનો સમગ્ર વિકાસ ૯૦૦ કી.મીના વિસ્તારમાં થશે જે સિંગાપોર કરતા પણ વધુ કી.મી હશે.
ગામડાનું ઉત્થાન થાય તેવી આકાંક્ષા રાજ્ય સરકારની છે. પૂર્વનું બંદ એવું ધોલેરા રાજ્ય સરકારનાં પ્રયત્નોથી સુવર્ણ નગરી બનશે. ધોલેરા લીવેબલ શહેર બનવાં જઇ રહ્યું છે. અહીંયા કરેલું રોકાણ વ્યર્થ જવાનું નથી. દુનિયાની નજર અહીં મંડાયેલી છે ત્યારે ધોલેરાનો ભવ્ય ઇતિહાસ ફરીથી આલેખિત થવાં જઇ રહ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.