ભજનને પોતાનું નામ હોય છે: મોરારિબાપુ
તલગાજરડા : પુ.મોરારિબાપુના પિતાશ્રી પુ.પ્રભુદાસબાપુની સ્મૃતિમાં દર વર્ષે માગશરવદ બીજના દિવસે યોજાતો સંતવાણી એવોર્ડ સમારોહ અને ભજન સંતવાણી કાર્યક્રમ 29- 11-23 ના રોજ ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે સંપન્ન થયો.
બપોરે પ્રથમ ચરણમાં યોજાયેલા ભજન સંગોષ્ઠિ વિચારસત્રમાં શિક્ષણવિદ્ તથા પત્રકાર શ્રી તખુભાઈ સાંડસુરના બે પુસ્તકો “મોરારીબાપુ: વ્યક્તિ નહી, વિચાર” અને “નોખા મલક નોખા મનેખ”નું લોકાર્પણ કરવામાં આવ્યું.શ્રી તખુભાઈએ મોરારિબાપુના વ્યક્તિચિત્રને રેખાંકિત કરવાનો પ્રથમ પુસ્તકમાં પ્રયત્ન કર્યો છે. બીજું પુસ્તક વ્યાસવાટિકાની નિશ્રામાં યોજાયેલા પ્રવાસોની સુગંધ પ્રસ્ફુલિત કરવાનો સુંદર અભિગમ છે.”સંતવાણી શબ્દકોશ”નામના પ્રો.શ્રી નાથાલાલ ગોહિલના પુસ્તકનું લોકાર્પણ અને પરિશીલન પણ આ સત્રમાં યોજાયું.તેમાં પ્રો. રમેશ મહેતાએ નાથાલાલ ગોહિલની સર્જન યાત્રા પર વાત કરી.શ્રી દલપત પઢિયારે આ પુસ્તકમાંના રહસ્યોને ઉદ્ઘાટિત કરીને સમગ્રતયા પરિચય કરાવ્યો.સંગોષ્ઠીનું સંચાલન શ્રી નીતિન વડગામાએ કર્યું.માણભટ્ટ શ્રી ધાર્મિકલાલ પંડ્યાએ આખ્યાનની ખૂબ રસપૂર્ણ રજૂઆત કરી સૌને તરબોળ કર્યા હતાં.92 વર્ષ ની જૈફ વયે પણ તેઓ પ્રભુગાન કરી શકે છે તે એક પ્રભુપ્રસાદ કહી શકાય.
પુ.મોરારિબાપુએ આ કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે ભજનને પોતાનું નામ હોય છે. ભજનના ત્રણ પડાવો સંકલ્પ,સંઘર્ષ તેનાં ચરણો છે.નામ નિરાકાર સાથે જોડાયેલ છે. એમ ગણીએ તો ય નામ જપ પણ છે અને એ અનામ પણ છે. તેનું નામ, રૂપ અને લીલા અપાર છે ભજનીક એ મોટો દાની હોય છે. બાપુએ વ્યાસપીઠના સંદર્ભોને ટાંકીને ભજનની સુંદર અને પ્રવાહી વ્યાખ્યા કરી હતી.
16 માં સંતવાણી એવોર્ડ સમારોહમાં આજે સંતવાણીના સર્જક તરીકે ધોળાની ધનાભગતની જગ્યાના મહંત શ્રી બાબુરામ ભગતને સંતવાણી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.ગાયકીના ક્ષેત્રમાં ભજનીક સુશ્રી ભારતીબેન વ્યાસ, તાલવાધ્ય તબલામાં શ્રી અબુ બકર મામદ મીર -માંડવી,વાયોલીન માટે મહેશ નરસિંહભાઈ વાઘેલા અમદાવાદ અને મંજીરાના ક્ષેત્રમાં નાગજીભાઈ સરવૈયા – જુનાગઢને સંતવાણી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યાં.આ એવોર્ડમાં રૂપિયા 51 હજારની રાશિ, પ્રશસ્તિ પત્ર અને સૂત્ર માલા એનાયત થાય છે.આ સત્ર નું સંચાલન ગાયક,કવિ શ્રી હરિશ્ચંદ્ર જોશીએ કર્યું હતું અને સમગ્ર સંકલન જયદેવ માકડનું હતું.
રાત્રે યોજાયેલી સ્મરણાંજલિ સંતવાણીમાં નિરંજન પંડ્યા, રામદાસ બાપુ ગોંડલીયા, શૈલેષ મહારાજ, બીપીન સઠીયા, જય શ્રી માતાજી,બીરજુ બારોટ વગેરે ગાયકોએ પોતાની વાણી પવિત્ર કરી હતી.