કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ ના ઘટકો પક્ષો મંગળવારે ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર માટે તેમની રણનીતિ નક્કી કરશે. તે જ સમયે, નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર બંધારણમાંથી ‘ઇન્ડિયા’ શબ્દને દૂર કરવાની યોજના બનાવી રહી છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે ૧૮-૨૨ સપ્ટેમ્બર સુધી યોજાનાર સંસદના વિશેષ સત્રમાં સરકાર ‘ઇન્ડિયા’ શબ્દને હટાવવાના પ્રસ્તાવ સાથે સંબંધિત બિલ રજૂ કરી શકે છે. હાલમાં જ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પણ કહ્યું હતું કે આપણા દેશનું નામ સદીઓથી ભારત રહ્યું છે. તેમણે લોકોને ઇન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે “સદીઓથી આપણા દેશનું નામ ભારત રહ્યું છે.”
નોંધપાત્ર રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અંગ્રેજોની ગુલામીની માનસિકતામાંથી મુક્તિ પર જોર આપ્યું છે અને આ દિશામાં અનેક પગલાં લીધાં છે, જેમાં શિક્ષણ નીતિમાં ફેરફારથી લઈને પ્રતીકોને હટાવવા, ગુલામી સાથે સંબંધિત શેરીઓ અને સ્થાનોના નામ બદલવા, સંસ્થાનવાદી સત્તા સાથે સંકળાયેલા લોકોની પ્રતિમાઓ હટાવવી અને અગ્રણી ઐતિહાસિક ભારતીયોની પ્રતિમાઓ સ્થાપિત કરવા સુધીના ઘણા પગલાંનો સમાવેશ થાય છે. ૨૫ જુલાઈના રોજ બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ જોડાણને I.N.D.I.A નું નામ આપનારી વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની રચના અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી.