2002ના નરોડા પાટિયા કેસમાં હાઇકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટની વિશેષ અદાલતે ભાજપના માયા કોડનાનીને નરોડા પાટિયા કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ ચૂકાદાથી માયા કોડનાનીને રાહત થઇ છે, જ્યારે પૂર્વ બજરંગ દળના પ્રમુખ બાબુ બજરંગીને દોષી માન્યા છે, તેને કોઇ રાહત આપવામાં આવી નથી. બાબુ બજરંગીને જીવન પર્યત જેલમાં જ રહેવું પડશે.
નરોડા પાટિયા કેસમાં ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાનીને 28 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી, તે સિવાય બાબુ બજરંગીને જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારવામાં આવી હતી. બીજા 30 આરોપીઓને 21 વર્ષથી લઇને 14 વર્ષ સુધીની સજા સંભળાવવામાં આવી હતી. બાકીના 29 લોકોને પુરાવાના અભાવને કારણે છોડી દેવામાં આવ્યા હતા.
સજાના આ હુકમ સામે આરોપીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. બંને પક્ષોની તમામ દલીલ સાંભળ્યા બાદ કેસના ચૂકાદાને મુલતવી રાખ્યો હતો. આજે હાઇકોર્ટે તેનો ચૂકાદો સંભળાવ્યો હતો જેમાં માયા કોડનાની નિર્દોષ જાહેર થયા હતા.
ગોધરાકાંડના એક દિવસ બાદ નરોડા પાટિયા નરસંહાર થયો હતો, જેમાં લોકોને ક્રુર રીતે જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. માયા કોડનાની અને બાબુ બજરંગીને નરોડા પાટિયા કાંડના મુખ્ય ષડયંત્રકારી માનવામાં આવ્યા હતા.