સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ પ્રસરી ગયા છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતના મંત્રને ચરિતાર્થ કરવા આગામી ૨૧ થી ર૪ એપ્રિલ-૨૦૧૮ દરમિયાન છતીસગઢના રાયપુર ખાતે ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ યોજવામાં આવશે, એમ બિન નિવાસી ગુજરાતી પ્રભાગ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી છતીસગઢના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદઘાટન થશે. રાયપુર ખાતેના આ કાર્યક્રમમાં ૨૧ થી ૨૪ એપ્રિલ દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાની ઝાંખી કરાવતું અદભૂત પ્રદર્શનનું આયોજન કરાયું છે. જેમાં ૪૩થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે.
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, મુખ્ય કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ, રાયપુર ખાતે યોજાશે. જેમાં અંદાજે ૧૫૦૦ બિન-નિવાસી ગુજરાતીઓ, સ્થાનિક અગ્રણીઓ, સમગ્ર છત્તીસગઢના જુદા જુદા શહેરોના ગુજરાતી સમાજોના હોદ્દેદારો ઉપસ્થિત રહે તેવો અંદાજ છે. બે દિવસના કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની અસ્મિતાની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને જુદા જુદા વિષયો પર સેમીનાર પણ યોજાનાર છે. પ્રદર્શનની મુલાકાત ૧૫ થી ૨૦ હજાર બિન-નિવાસી ગુજરાતીઓ લે તેવી અપેક્ષા છે.
અત્રે ઉલ્લેનીય છે કે, વિવિધ રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓ સાથેના જીવંત સંપર્ક કેળવવા માટે, ગુજરાત રાજ્યની સંસ્કૃતિની ઝાંખી સ્થાનિક ગુજરાતીને કરાવવા, જે તે રાજ્યમાં રહેતા ગુજરાતીઓને વતન જેવો જ અહેસાસ કરાવવા ગુજરાતમાં થયેલ વિકાસ અને વર્તમાન ગુજરાતની ઝાંખી કરાવી રોકાણની તકોથી વાકેફ કરાવવા અને નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાના પ્રયાસના ભાગરૂપે ગુજરાત સરકારના બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ અને ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા અન્ય રાજ્યોના મુખ્ય શહેરો કે જ્યાં બિન-નિવાસી ગુજરાતીઓની નોંધપાત્ર વસતી હોય ત્યાં ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે ૨૧-૨૨ એપ્રિલ-૨૦૧૮ દરમિયાન રાયપુર (છત્તીસગઢ) ખાતે એન.આર.જી. એસોસીએશનના સહયોગથી સદાકાળ ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અગાઉ આવા કાર્યક્રમો મુંબઇ, જયપુર, કોઇમ્બતુર, વારાણસી અને કલકત્તા ખાતે યોજવામાં આવ્યા હતા.