સુરતઃ રાજ્યની સ્વ-નિર્ભર શાળાઓના ફી નિયમન અંતર્ગત સુપ્રિમ કોર્ટના વચગાળાના આદેશ મુજબ ફી નિયમન ઝોનલ કમિટીઓ દ્વારા જે તે શાળાની વચગાળાની-પ્રોવિઝન ફી નિયત કરવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. અમદાવાદ ઝોનની ઝોનલ કમિટી દ્વારા પ્રોવિઝન ફી નિયત કરાયા બાદ સુરત ઝોનની ફી નિયમન ઝોનલ કમિટીએ પણ ૫૭ શાળાઓની પ્રોવિઝનલ ફી નિયત કરી છે. સુરત ઝોનલ કમિટીએ સંબંધિત શાળાઓએ દરખાસ્ત કરેલી ફીની રકમ સામે નિયત કરેલી પ્રોવિઝનલ ફીમાં રૂ. ૬૯૦ થી લઇને મહત્તમ રૂ. ૧,૮૩,૦૦૦ નો પ્રોવિઝનલ ધોરણે ઘટાડો કર્યો છે.
સુપ્રિમ કોર્ટના વચગાળાના આદેશ મુજબ આ માત્ર ને માત્ર પ્રોવિઝનલ ફી છે. જાહેર કરાયેલ પ્રોવિઝનલ ફી સામે સંબંધિત શાળાને વાંધો હોય તો ઝોનલ કમિટી સમક્ષ તે એક અઠવાડિયામાં પોતાની રજૂઆત કરી શકશે. ફી નિયમન અંગેની તમામ કાર્યવાહી સુપ્રિમ કોર્ટના વધુ આદેશોને આધિન રહેશે.
સુરત જિલ્લાની ૨૫ શાળાઓએ ઝોનલ કમિટી સમક્ષ કરેલી ફીની દરખાસ્ત સામે ફી નિયમન ઝોનલ કમિટીએ નિયત કરેલ પ્રોવિઝનલ ફીની તુલનામાં રૂ. ૨૫૦ થી લઇને રૂ. ૧,૮૩,૦૦૦ સુધીનો પ્રોવિઝનલ ધોરણે ઘરખમ ઘટાડો કરાયો છે.
સુરત ઝોનની જે જિલ્લાઓની ૫૭ શાળાઓની પ્રોવિઝન ફીની જાહેરાત કરાઇ છે તેમાં નર્મદા, નવસારી, તાપી, વલસાડ, ભરૂચ અને સુરત જિલ્લાની શાળાઓનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લાની ત્રણ શાળાઓએ દરખાસ્ત કરેલ અને જાહેર કરેલ પ્રોવિઝનલ ફીમાં રૂ. ૩,૪૦૦ થી રૂ. ૨૦,૦૦૦ નો ઘટાડો કરાયો છે.
નવસારી જિલ્લાની બે શાળાઓમાં રૂ. ૨,૦૭૫થી લઇને રૂ.૧૨,૬૦૦ નો ઘટાડો કરાયો છે. તાપી જિલ્લાની ચાર શાળાઓમાં રૂ.૩,૦૦૦ થી લઇને રૂ.૭૧,૬૫૦ નો ઘટાડો કરાયો છે. વલસાડ જિલ્લાની સાત શાળાઓમાં રૂ.૧,૦૦૦ થી લઇને રૂ. ૧૪,૯૬૫ સુધીનો ઘટાડો કરાયો છે. જ્યારે ભરૂચ જિલ્લાની ૧૬ શાળાઓમાં રૂ. ૬૯૦ થી રૂ.૩૨,૩૪૦ સુધીનો ઘટાડો કરાયો છે.