રાજકોટમાં નકલી માર્કશીટ અને નકલી ડિગ્રી વેચવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે રૈયા રોડ પર વૈશાલીનગર-૯માં સનરેવ્ઝના નામે ચાલતા ક્લાસીસમાં દરોડો પાડી ત્યાંથી આ કૌભાંડ પકડી સૂત્રધાર પ્રકાશ સુરેશભાઈ ગોહેલ (રહે. કુવાડવા રોડ, મારુતિનગર-૩)ને સકંજામાં લઈ તેની પાસેથી ઘણી નકલી ડિગ્રીઓ કબ્જે કરી છે. તેની સાથે આ કૌભાંડમાં બીજા રાજ્યોના એજન્ટોની પણ સંડોવણી હોવાથી તેમને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચની બે ટીમો અલગ-અલગ રાજ્યોમાં રવાના કરવામાં આવી છે.
કૌંભાંડના સુત્રધાર એવા પ્રકાશે પોતે બેચરલ ઓફ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. તે સનરેવ્ઝના નામે એન્જિનીયરીંગના ક્લાસીસ ચલાવે છે. ૨૦૧૪થી તે નકલી ડિગ્રીની દુકાન ખોલીને બેઠો હોવાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. તે બીએ, બીકોમ, બીએસસી ઉપરાંત એમબીએની નકલી ડિગ્રી ૨૫ હજારથી લઈ ૫૦ હજારથી વધુની કિંમતે અને ૧૫થી ૨૫ હજારની કિંમતે બોર્ડ એટલે કે ધો. ૧૦ અને ધો. ૧૨ની નકલી માર્કશીટ વેંચતો હતો.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ કહ્યું હતું કે પ્રકાશે પ્રાથમિક પુછપરછમાં અત્યાર સુધી ૪૫થી વધુ ડિગ્રી અને માર્કશીટ વેંચી નાખ્યાની રજૂઆત કરી છે.જેમાંથી સીએસજેએમ અને એમજીકેવીપીની ૧૨ અને ૨ મળી તમામ ૧૪ ડિગ્રી નકલી હોવાનું ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું.
ક્રાઈમ બ્રાંચ સમક્ષ પ્રકાશે એવી કેફિયત આપી છે કે તે આ તમામ ડિગ્રી અને માર્કશીટ જુદા જુદા રાજ્યોના એજન્ટો પાસેથી ખરીદ કરતો હતો. આ એજન્ટોના નામો પણ મળી જતા તેમને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચ પ્રયાસ કરી રહી છે. જો તેઓ પકડાશે તો દેશભરમાં આવતા કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા છે.