આગામી ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે કરાશે. સુરત વહીવટી તંત્ર અને પોલીસે રાજ્યકક્ષાની ઉજવણીને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી ૨૧ જૂને નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ડુમ્મસ રોડ ખાતે ઉજવણી કરવામાં આવશે. આ વખતે ૧.૨૫ લાખથી વધુ લોકો એક સાથે યોગ કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે.આગામી ૨૧મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે અગ્ર સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે આ વર્ષે નવમા યોગ દિવસને સમગ્ર વિશ્વમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ના નારા સાથે ‘વસુદેવ કુટુંબકમ માટે યોગ અને હર ઘરના આંગણે યોગ’ની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે થશે. જેમાં શહેરીજનોને મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કરાયો છે. ૨૧ જૂને સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી સહિત અંદાજે ૧.૨૫ લાખથી વધુ લોકો એક સાથે યોગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગેનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ જયપુરનો છે. જેમાં ૧.૦૯ લાખ લોકોએ એક સાથે યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો, ત્યારે હવે સુરત ખાતે ૧.૨૫ લાખથી વધુ લોકો યોગ કરીને આ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવશે.આ અંગે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગ દિવસની આંતરરાષ્ટ્રીય ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે ત્યારે સુરત ખાતે ૧.૨૫ લાખથી વધુ નાગરિકો યોગ દિવસમાં જોડાશે. મગદલ્લા વાય જંકશનથી પાર્લે પોઈન્ટ સુધી અને વાય જંકશનથી બ્રેડલાઇન સર્કલથી ગાંધીકુટિર સુધી ૧૨ કિમીના રસ્તા પર લોકો યોગ કરશે. જેમાં ૧૨૫ જેટલા બ્લોક બનાવવામાં આવ્યા છે. દરેક બ્લોકમાં ૧૦૦૦ લોકો યોગ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેજ પરથી યોગ ટ્રેનર નિદર્શન કરશે. લોકોને અગવડ ન પડે તે માટે નજીક પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા અપીલ કરી હતી. જેના પગલે અત્યાર સુધીમાં ૨૬ હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. આ કાર્યક્રમમાં શાળા-કોલેજો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક એસોસિએશનો, પતંજલિ, બ્રહ્માકુમારી, આર્ટ ઓફ લિવિંગ, ડોકટર એસોસિએશનો, ગાયત્રી પરિવાર તથા અન્ય શહેરીજનો મોટી સંખ્યામાં જોડાશે.