સોમવારથી અમદાવાદથી ભાવનગર અને સુરત વચ્ચે ફ્લાઈટ શરૂ થવાની છે. UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ નવા રૂટ માટે એર ઓડિશા રાજ્યાંતરિક હવાઈ સેવા સોમવારથી શરૂ કરશે. અત્યારે દરરોજ મુંદ્રા જતી ફ્લાઈટમાં વધારો કરાશે. જે 16 એપ્રિલથી દરરોજ ભાવનગર અને સુરત જશે. છેલ્લે જ્યારે આ સેવા શરૂ કરવામાં આવી ત્યારે કેટલાક અવરોધોને કારણે બંધ થઈ હતી.
અમદાવાદથી મુંદ્રા વચ્ચે આ વર્ષે 17 ફેબ્રુઆરીએ વિમાની સેવા શરૂ કરાઈ હતી. જ્યારે અમદાવાદથી દીવ વચ્ચેની વિમાની સેવા 24 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. એર ઓડિશાએ રાજ્યાંતરિક સેવા 18 સીટરના બીચ ચોપરમાં 2000 રૂપિયાના ભાડામાં શરૂ કરી હતી. જો કે, હવાઈ સેવા શરૂ કર્યાના થોડા જ દિવસોમાં એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતા સેવા બંધ થઈ હતી. એ પછી અમદાવાદ એરપોર્ટ પર ચાલતાં રન વેના રિસર્ફેસિંગના કારણે દરરોજ ફ્લાઈટનું ઉડવું શક્ય નહોતું. જેના કારણે 1 માર્ચથી અમદાવાદ-મુંદ્રા વચ્ચેની ફ્લાઈટનો એક જ ફેરો થતો હતો. જો કે હવે રન વે પર કામ પૂરું થવા આવ્યું હોવાથી ફ્લાઈટ રેગ્યુલર ચાલશે.