હું આગ છું…અસ્મિ છું….હું સ્ત્રી છું.
સ્ત્રી…શબ્દમાં જેટલી નજાકતતા તેટલી ગંભિરતા અર્થમાં…સ્ત્રીનો અર્થ દરેક માટે અલગ અલગ થાય છે. સ્ત્રી વિશે, સ્ત્રીઓ માટે અને સ્ત્રી થકી ઘણુ બધુ લખાયુ છે. આજે આપણે વાત કરીએ કે સ્ત્રી શું વિચારે છે પુરુષો વિશે…
લગભગ ૫૦ જેટલી વિવિધ જીવનશૈલી જીવતી સ્ત્રીઓ સાથે વાત કરી અને જેનું તારણ મારી ભાષામાં કંઈક આ પ્રકારનું નિકળે છે. આજ સુધી કોઈ પણ મહેફીલમાં આપણે ખુલ્લે આમ સ્ત્રીઓ વિશેની વાત કરતા પુરુષોને સાંભળ્યા છે. સ્ત્રી વિશેનાં વખાણ, તેની સુંદરતાના વર્ણન વિશે અથવા તો લોકોને હસાવવાનાં હેતુથી તેના જોકસ બનાવતા પણ સાંભળ્યા હશે. આજે અહીં સ્ત્રીઓ બોલશે પુરુષો વિશે,….અહીં આપણે કેટલાક ટોપિક પર વાત કરીશું જે સ્ત્રીઓ દ્વારા પુરુષો માટેનાં વિચાર વ્યક્ત કરશે.
વિચાર -૧
—–
મારી દ્ર્ષ્ટિએ પુરુષનાં ત્રણ પ્રકાર છે. એક જે શ્રી રામ જેવા હોય, બીજા કૃષ્ણ જેવા અને ત્રીજા મહાદેવ જેવા હોય. હું આજની મોર્ડન યુવતી મહાદેવ જેવા પુરુષોનાં પ્રેમમાં પડી જઉ છું. કેમકે મારી વ્યાખ્યા મુજબ શ્રી રામ જેવા પુરુષ જે દુનિયાની નજરમાં શ્રેષ્ઠ પુરુષ હોય, એક પત્ની વ્રતા હોય અને તેને પ્રેમ પણ ખૂબ કરતા હોય પરંતુ વખત આવે કોઈ પણ અજાણ્યા ધોબીના કહેવાથી પત્નીને અગ્નિપરીક્ષાની મજબૂરી સુધી લઈ જતા હોય. બીજા પ્રકારનાં પુરુષો જે તમને દર બીજા ઘરે બહોળા પ્રમાણમાં જોવા મળશે તે છે શ્રી કૃષ્ણ જેવા પુરુષો. આ પુરુષો મોહ, માયા, વૈભવ દરેકમાં રાચતા હોય. આ લોકો એક કરતા વધારે સ્ત્રીઓને પ્રેમ કરી જાણતા હોય. તેમનાં સારા ગુણો એ છે કે તેઓ દરેક સ્ત્રીને ખુશ પણ રાખી શકતા હોય. સ્ત્રીઓને બહેલાવી ફોસલાવીને પણ પોતાના ધાર્યા કામ એટલે કે લીલાઓ કરી જાણતા હોય. જગતની મોટા ભાગની સ્ત્રીઓ આ જ પ્રકારનાં પુરુષની કલ્પના કરતી હોય… અને ત્રીજા પ્રકારનાં પુરુષ એટલે મહાદેવ જેવા…જે કદાચ પેલા બે પ્રકારનાં પુરુષ જેવા રાજા ન હોય પણ તેની પત્નીને રાણીની જેમ રાખતા હોય. તેને શરીરનું અડધુ અંગ ગણતા હોય. તે તેની પત્નીને તેના સ્વભાવ સાથે, તેના ક્રોધ સાથે, તેના તાપ સાથે પણ એટલો જ પ્રેમ કરતા હોય. તેની પત્નીને પોતાનાથી વિશેષ મહત્વ આપતા હોય. પત્નીને તેની લડાઈ ખુદ લડવાની આઝાદી આપતા હોય. પ્રેમ કે સુરક્ષા કે પઝેસીવનેસની આડમાં ગોંધી ન રાખતા હોય. આથી મને મહાદેવ જેવા પુરુષો માટે પ્રેમ છે. લિ. કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી એક યુવતી. વધુ બીજા અંકમાં…
- પ્રકૃતિ ઠાકર