અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત રૂ.૩૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતર્મુહુત પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યું કે, મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસકાર્યોની વણઝાર વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકબંધ રાખી છે. જે આનંદની વાત છે. તેમણે કહ્યું કે, આજે વિશ્વ સ્તરે થઈ રહેલું સન્માન માત્ર નરેન્દ્ર મોદી જ નહીં ૧૩૦ કરોડથી વધુ ભારતીયો અને વિશેષતઃ ગુજરાતીઓનું છે. આગામી સમયમાં વિશ્વસ્તરે ભારતની સ્વીકૃતિ અનેકગણી વધશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.અમિત શાહે કહ્યું કે, સાંસદ તરીકે મારા કાર્યકાળના ૪ વર્ષ પૂર્ણ થતાં પહેલાં જ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ૧૮,૦૦૦ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતર્મુહુત થયા છે. તાજેતરમાં જ ગાંધીનગર શહેરમાં રૂ. ૪૦૦ કરોડના અને અમદાવાદ શહેરમાં અંદાજીત રૂ. ૩૬૦ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ ખાતર્મુહુત થયા છે. જે એક સાંસદ, એક જનપ્રતિનિધિ તરીકે ખુશીની વાત છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉમેર્યું કે, અન્ય રાજ્યોની સાપેક્ષમાં ગુજરાતમાં વિકાસકાર્યો તેજ ગતિએ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, એક સાંસદ તરીકે મારી વિકાસકાર્યો વિષયક રજૂઆત માટે મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. અને શક્ય તેટલી ઝડપથી કામો પૂર્ણ પણ થયા છે. તેના બદલ તેમણે મુખ્યમંત્રી અને અમદાવાદ મહાનગરપાલિકાના હોદ્દેદારોનો આભાર માન્યો હતો.કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને સમર્પિત હોવાનું જણાવી શ્રી અમિત શાહે કહ્યું કે, અમદાવાદ શહેરમાં ૪૮,૦૦૦ ગરીબો માટે ઘરના ઘર બનાવવાનું કામ ચાલી રહ્યું છેબની રહ્યા છે, આગામી સમયમાં અમદાવાદને પ્રદૂષણમુક્ત બનાવવા માટે ૨૦૦ ઇ-બસ પણ મળનાર છે. સાથોસાથ ૬૫,૦૦૦થી વધુ નાના ધંધાર્થીઓને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોન અપાઈ છે. શ્રમિકોને આશરો મળી રહે તે માટે આ વર્ષના બજેટમાં ૫૦૦ કરોડની માતબર રકમની ફાળવણી ઔદ્યોગિક હબ ગણાતા આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દૂરંદેશી દર્શાવે છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગને પ્રાધાન્ય આપ્યું છે. લોકોનું જીવન સુદ્ઢ બને તે દિશા પર સરકાર કાર્યરત છે.તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક પણ અઠવાડિયું એવું નથી ગયું જેમાં લોકાર્પણ કે ખાતર્મુહુત ના થયું હોય. અને જેનું ખાતર્મુહુત થયું હોય તેનું લોકાર્પણ પણ કરવાનું એ કાર્યશૈલી નરેન્દ્રભાઈ વિકસાવી છે.
વધુમાં મુખ્યમંત્રીએ ઉમેરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે, દરેક પરિવારના માથે છત હોવી જોએ, દરેક પરિવારને ઘરનું ઘર આપવાની દિશામાં આગળ વધતા અહીં ૩૦૦ કરોડના ખર્ચે ૨,૫૦૧ આવાસોનો ડ્રો યોજાઈ રહ્યો છે જે આનંદની વાત છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી અને ગ્રામીણ ગરીબ પરિવારને સુખનું સરનામું મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇઝ ઓફ લિવિંગ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બને તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. વધુમાં ઉમેરતાં કહ્યું કે, અમૃતકાળમાં ગુજરાતે ઐતિહાસિક ૩ લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે. બજેટના પાંચ સંકલ્પો પૈકી એક આંતરમાળખાકીય વિકાસનો છે. જેના માટે આગામી પાંચ વર્ષમાં પાંચ લાખ કરોડના ખર્ચે વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.અંતે વિકસિત શહેર થકી વિકસિત રાજ્ય અને વિકસિત રાજ્ય થકી વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ગુજરાતની જનતાનો સહયોગ મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. મેયર કિરીટ પરમારે સમારોહના પ્રારંભે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું કે, અમિત શાહ પ્રજાના સાચા પ્રતિનિધિ તરીકે ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે.
લોકકલ્યાણની યોજનાઓ થકી લોકસેવા અને ખાસ કરીને દરેકને ઘરનું ઘર મળે તે કેન્દ્ર અને રાજ્ય સરકારનો સંકલ્પ છે. જેને પરિપૂર્ણ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા પ્રયાસરત છે. આ અવસરે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતર્મુહુત કરવાની સાથે અમિત શાહના હસ્તે ૨,૫૦૧ એલઆઈજી આવાસોનો કમ્પ્યુટરાઈઝડ ડ્રો પણ કરવામાં આવ્યો હતો.આજના કાર્યક્રમમાં અમદાવાદના સર્વ સાંસદો, ધારાસભ્યો તથા મહાનગરપાલિકાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.