વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાના નેતૃત્વ હેઠળ કોરોના સામેની સજ્જતા અર્થે અગમચેતીના ભાગરૂપે ૧૦ અને ૧૧ મી એપ્રિલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોરોના સામેની સજ્જતાની ચકાસણી અર્થેની મોકડ્રીલમાં સહભાગી બન્યા હતા.એટલું જ નહીં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવિડ નિયંત્રણ માટેની તમામ વ્યવસ્થાઓ, ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટર, આઇ.સી.યુ માં બેડની ઉપલબ્ધતા, દવાનો જથ્થો, ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિતની તમામ વ્યવસ્થાઓનું સ્થળ પર જઇને જાત નિરીક્ષણ કરીને સમગ્રતયા પરિસ્થિતિઓનો તાગ મેળવ્યો હતો. આરોગ્યમંત્રીએ આ મુલાકાતને પગલે કોરોના સામેની તૈયારીઓ માટેના કેટલાક જરૂરી સૂચનો પણ સંલગ્ન અધિકારીઓ અને હોસ્પિટલ તંત્રને કર્યા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાના નેતૃત્વમાં સમગ્ર દેશમાં તારીખ ૧૦ અને ૧૧ એ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.આ મોકડ્રીલમાં કોરોના સામેની સજ્જતાની ચકાસણી કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ બે દિવસ દરમિયાન રાજ્યના ગ્રામ્ય સ્તરે આરોગ્ય કેન્દ્રો ઉપરાંત રાજ્યની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં મોકડ્રીલ યોજાશે. આ મોકડ્રીલમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા, દવાનો જથ્થો, વેન્ટિલેટર, આઇ.સી.યુ. બેડ સહિત માનવબળની ઉપલબ્ધતા અંગેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. આ દરમિયાન કોઇપણ વ્યવસ્થામાં ત્રુટિ જણાશે તો તેને સત્વરે દૂર કરવા માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે રાજ્ય આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે, રાજ્યના ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્રો, ૧૪૭૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૩૬૫ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત સરકારી સિવિલ હોસ્પિટલ અને શહેર તેમજ ગ્રામ્ય સ્તરની ખાનગી હોસ્પીટલોમાં બે દિવસીય મોકડ્રીલ યોજાનાર છે.
હાલ રાજ્યમાં કોવિડ-૧૯ અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૧ લાખ ૩ હજાર થી વધુ બેડ ઉપલબ્ધ છે. જે પૈકી ૧૫ હજાર જેટલા આઇ.સી.યુ. અને ૯૭૦૦ જેટલા વેન્ટીલેટર બેડ ઉપલબ્ધ છે. રાજ્યમાં ૧૦૮૯૯ ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને ૪૭૬ પી.એસ.એ. પ્લાન્ટ દર્દીઓની સેવાર્થે કાર્યરત છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાલ રાજ્યમાં દૈનિક ૨૦ થી ૨૨ હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે. રાજ્યમાં કોવિડ-૧૯ માટેના જરૂરી ટેસ્ટીંહગ માટે ૨૦૭ લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી ૧૧૧ સરકારી અને ૯૬ ખાનગી લેબોરેટરી છે. જેની હાલ દૈનિક કુલ ટેસ્ટીંગ ક્ષમતા ૧ લાખ ૭૫ હજાર જેટલી છે. આર.ટી.પી.સી.આર. પોઝીટીવ દર્દીનું જીનોમ સીકવન્સીંગ કરવા માટે ગાંધાનગર ખાતે દર મહીને ૪૦૦૦ થી વધુ ઝીનોમ સીકવન્સીંગ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. રાજ્ય સરકારે કોવિડના ચોક્સસ મોનીટરીંગ માટે GERMIS સોફ્ટવેર વિકસાવ્યું છે. આ મોકડ્રીલમાં ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટાબેન પટેલ, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ઉપસ્થિત રહ્યા હતા.