રિઝર્વ બૅન્કે છ એપ્રિલે એક પરિપત્ર જાહેર કર્યો છે, જે મુજબ બૅન્કો દ્વારા રોકડની કરવામાં આવતી હેરફેર માટે બહારની કંપનીઓના માણસોની સેવા પર મદાર બાંધવામાં આવતો હોવાથી રોકડની હેરફેર કરતી કંપનીઓએ સેવા માટે રોકેલા માણસોનું લિસ્ટ તૈયાર કરીને તેની તમામ વિગતો પોલીસને આપવાની રહેશે.
આ કર્મચારીઓનું બૅકગ્રાઉન્ડ પણ પોલીસને જણાવવું પડશે. તેમના બે સરનામાં પર પોલીસ ચકાસણી કરશે. તેમ જ રાત્રિના સમયગાળામાં વૅન રોકડ લઈને જતી હોય તો તે ન જાય તેવી વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે. બૅન્કોની તથા નાણાં સંસ્થાઓની રોકડની હેરફેર કરતી વૅન રોજ રોજ એક જ રૂટથી પસાર ન થાય તેવી વ્યવસ્થા કરવાની સૂચના રિઝર્વ બૅન્કે આપી છે.
પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સી રેગ્યુલેશન એક્ટની જોગવાઈ પ્રમાણે ભારત સરકારે અને રાજ્ય સરકારોએ તેના સંદર્ભમાં નવી માર્ગદર્શિકાઓને અનુસરવી પડશે. જોકે મેટ્રો અથવા તો શહેરી વિસ્તારોમાં રાતના તેની હેરફેર કરવાની બાબતમાં ઉદાર અભિગમ અપનાવી શકાશે. રોકડની હેરફેર કરતી વૅને કોઈ જગ્યાએ રાત્રિ ઉતારો કરવો પડે તો તે ઉતારો તેમણે પોલીસ સ્ટેશનમાં જ કરવાનો રહેશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોકડ લઈ જવાતી હોય તેવા સંજોગોમાં અને તેમાં સિક્યોરિટી ગાર્ડ બદલવાની જરૂર ઊભી થવાની હોય તો તેવા સંજોગોમાં તેનું આયોજન અગાઉથી જ થયેલું હોવું જોઈએ.
રોકડની હેરફેર કરતી વૅન સાથે મોકલવામાં આવતા સિક્યોરિટી ગાર્ડને પૂરતી તાલીમ આપવામાં આવેલી હોવી જોઈએ. બૅન્કોની રોકડની હેરફેરનું કામ આઉટ સોર્સિંગથી લેનારી કંપનીઓની નેટવર્થ રૃા. ૧૦૦ કરોડની હોવી ફરજિયાત છે. અત્યારે આ કામકાજ કરતી કંપનીઓની નેટવર્થ રૃા. ૧૦૦ કરોડની ન હોય તો ૩૧મી માર્ચ ૨૦૧૯ સુધીમાં તેટલી નેટવર્થ બનાવી દેવાની સૂચનાઓ આઉટ સોર્સિંગથી રોકડની હેરફેર કરવાનું કામ લેતી કંપનીઓને જણાવી દેવાનું રહેશે. આ વિગતો સાથેનું સરવૈયું તેમણે ૩૦મી જૂન ૨૦૧૯ના રજૂ કરવાનું રહેશે.
તેમ જ રોકડની હેરફેરના કામ આઉટ સોર્સિંગથી લેતી કંપની ઓછામાં ઓછી ૩૦૦ વૅનનો કાફલો હોવો ફરજિયાત છે. આ વૅન ખાસ ડિઝાઈન કરેલી અને તેના રોકડ રાખવાના તથા પ્રવાસીઓના કમ્પાર્ટમેન્ટમાં સીસી ટીવી કૅમેરા હોવા પણ ફરજિયાત છે. પેસેન્જર માટેના કમ્પાર્ટમેન્ટમાં બે કસ્ટોડિયન અને બે સશસ્ત્ર ગાર્ડ પણ હોવા જરૂરી છે. તેમની પાસે બંદુક ચલાવવાના કાયદેસર માન્યતા ધરાવતા લાઈસન્સ પણ હોવા જરૂરી છે. દરેક વાનમાં જીપીએસ સિસ્ટમ ફિટ થયેલી હોવી જોઈએ. તેનું સતત મોનિટરિંગ થઈ શકે તેવી સુવિધાઓ હોવી જરૂરી છે.