” યં હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ I
સમદુ:ખસુખં ધીરં સોડમૃતત્વાય કલ્પતે II ૨/૧૫ II ”
અર્થ :-
” જે ધીર પુરુષ સુખ અને દુ:ખથી વ્યથિત નથી થતો તથા સુખ અને દુ:ખ બંનેમાં સમ રહે છે તે મોક્ષનો અધિકારી થાય છે. ”
અગાઉના શ્ર્લોકમાં આપણે જોયું કે ભગવાને ઇન્દ્રીયાધીન સુખ જે ચલાયમાન છે જે કાયમ ટકવાનાં નથી તેને સહન કરવા માટે અર્જુનને અનુરોધ કરેલ છે અહીં તે સંબંધમાં એવું કહ્યું છે કે જે ધીર પુરુષ – જે જ્ઞાની પુરુષ આવા ચલાયમાન અને અનિત્ય પ્રકારનાં તત્વો- સ્થિતિથી વ્યથિત થતો નથી અને સુખ અથવા દુ:ખ બંને અવસ્થામાં સમ રહે છે તે મોક્ષનો અધિકારી બને છે. આપણને જે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તે મોક્ષ પ્રાપ્ત કરવા માટેનું એક ઉત્તમ સાધન છે. જો આ જન્મમાં આપણે તેના દ્વારા મોક્ષ પામી લઇએ એટલે કે આપણામાં જે આત્મા રહેલ છે તેને મોક્ષ મળી જાય તો પછી તેણે ફરીવાર બીજી કોઇપણ યોનિ ધારણ કરવાની થતી નથી, તો મોક્ષ મેળવવા શું કરવું જોઇએ ? અથવા કેવા બનવું જોઇએ ? તો એનો સીધો અને સરળ જવાબ છે કે દુ:ખની કે સુખની બંને સ્થિતિને સમદ્રષ્ટિ થી જોવી જોઇએ. દુ:ખની સ્થિતિ હોય તો તેનાથી વ્યથિત થવું નહિ અને સુખની સ્થિતિ હોય તો તેમાં અતિશય હરખમાં આવી જવું નહિ. અતિશય હરખ મનુષ્યને ઘમંડી પણ બનાવે છે અને અતિશય નિરાશા ક્યારેક એવી નકારાત્મકતા આપી દે છે કે તેને કંઇ સારું સૂઝતું જ નથી. તો ડાહ્યા- જ્ઞાની કે ધીર પુરુષ તરીકે આપણે ઉભી થતી આ બંને સ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહીએ તો જ મોક્ષના અધિકારી બની શકશું. જો આમ ન કરી શકીએ તો કીંમતી એવો મોક્ષ મળતો નથી . મનુષ્યનો મહામૂલો અવતાર વ્યર્થ જાય છે. અને આત્માને આ દેહ છોડી બીજો દેહ ધારણ કરી પાછા લખ ચોરાશીના ફેરામાં સતત ફરતા જ રહેવાનું આવે છે. અસ્તુ.
અનંત પટેલ