અદાણી પાવર અને એસ્સાર પાવરે ગુજરાત સરકાર સાથે કરાર કર્યા પછી ૩૦૦૦ મેગાવોટ વીજળીનો સપ્લાય આપવાનો ઇનકાર કરી દીધો તેને પરિણામે માર્ચ ૨૦૧૮માં ગુજરાત ઉર્જા વિકાસ નિગમે વીજળીનો વેપાર કરતાં એક્સચેન્જમાંથી માર્ચ ૨૦૧૮ દરમિયાન ૧૫૬.૫૦ કરોડ યુનિટ વીજળીના ખરીદી કરવાની ફરજ પડી છે.
૨૦૧૭ના માર્ચ મહિના દરમિયાન એક્સચેન્જમાંથી માત્ર ૧૭.૩૦ કરોડ યુનિટ વીજળીની ખરીદી કરવાની ફરજ પડી હતી. માર્ચ ૨૦૧૭ની તુલનાએ ૮૦૦ ટકા વધુ વીજળીની ખરીદી કરવાની ગુજરાતની સરકારી કંપનીઓને ફરજ પડી છે. આ વીજળી યુનિટદીઠ સરેરાશ રૃા. ૪.૦૨ના ભાવે ખરીદવી પડી છે. જીયુવીએનએલએ યુનિટદીઠ રૃા. ૪.૦૩થી ૪.૭૪ના ભાવ વીજળી ખરીદી છે. તેથી ગુજરાતના વીજ વપરાશકારોને માથે ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની જોગવાઈ હેઠળ વીજદર વધારાનો બોજ આવશે.
અદાણી પાવર યુનિટદીઠ રૂ. ૨.૩૫ના ભાવે ૧૦૦૦ મેગાવોટ અને યુનિટદીઠ રૂ. ૨.૮૯ના ભાવે ૧૦૦૦ મેગાવોટ વીજળીનો સપ્લાય આપવાનો કરાર કર્યો હતો. તેવી જ રીતે એસ્સાર પાવરે યુનિટદીઠ રૂ. ૨.૪૦ના ભાવે ૧૦૦૦ મેગાવોટ વીજળીનો પુરવઠો આપવા કરાર કર્યો હતો. પરંતુ આ ભાવ ન પરવડતા હોવાનું જણાવીને બંને કંપનીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમને બહારથી વીજળી ખરીદવાની ફરજ પડી છે. એપ્રિલ અને મે મહિનામાં ગરમી વધતા વીજળીની માગ વધીને ૧૬૫૦૦ મેગાવોટને આંબી જવાની સંભાવના છે.