દેશમાં કોરોનાના વધતા જતા કેસો ફરી ડરાવવા લાગ્યા છે. ૬૭ દિવસ પછી, કોરોનાના સક્રિય કેસ વધીને ૩ હજારથી વધુ થઈ ગયા છે. કોવિડના કેસોમાં અચાનક વધારાની સાથે સાથે એચ-૩ એન-૨ વાઇરસના કેસમાં પણ વધારો થયો છે, જે ચિંતાજનક છે. ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે કોરોનાના કેસ અચાનક કેમ વધી રહ્યા છે? છેલ્લાં ૩ અઠવાડિયાથી દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે.
૩૦ ફેબ્રુઆરીથી ૫ માર્ચની વચ્ચે દેશમાં કોરોનાના ૧૮૯૮ નવા કેસ નોંધાયા છે. આ તેના પ્રથમ સપ્તાહમાં આવેલા કોરોના કેસ કરતાં ૬૩% વધુ છે. ૨૦ થી ૨૬ ફેબ્રુઆરી વચ્ચે કોરોનાના ૧૧૬૩ કેસ નોંધાયા હતા, જે એક અઠવાડિયા પહેલાં કરતાં ૩૯% વધુ હતા. તે જ સમયે, ૧૩ થી ૧૯ ફેબ્રુઆરી વચ્ચે કોરોના ચેપના ૮૩૯ કેસ નોંધાયા હતા, જે પાછલા અઠવાડિયા કરતાં ૧૩% વધુ હતા. કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હજી વધારે નથી, પરંતુ કેસોમાં સતત વધારો ચિંતાનો વિષય છે. જો જોવામાં આવે તો સતત પાંચ અઠવાડિયાથી કોરોનાના કેસ વધી રહ્યા છે. પ્રથમ બે અઠવાડિયામાં થોડો વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષે જુલાઈ પછી આ વૃદ્ધિનો સૌથી લાંબો સમયગાળો છે, જ્યારે દેશમાં છેલ્લે કોવિડ સ્પાઇક જોવા મળ્યો હતો. તે સમયગાળા દરમિયાન, ૧૮ થી ૨૫ જુલાઈ વચ્ચે કોરોનાના ૧.૪ લાખ કેસ સામે આવ્યા હતા. ત્યારથી, બે અઠવાડિયાથી વધુના ત્રણ ટૂંકા ગાળાને બાદ કરતાં, કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.૨૩ થી ૨૯ જાન્યુઆરીની વચ્ચે સાપ્તાહિક કેસ ૭૦૭ના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ૨૭ ફેબ્રુઆરીથી ૫ માર્ચની વચ્ચે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. તેમાંથી ૪૭૩ કેસ કર્ણાટકમાં આવ્યા હતા, જે એક સપ્તાહ પહેલાં મળેલા ૨૩૦ કેસ કરતાં ઘણા વધારે છે. બીજી તરફ, કેરળમાં ગયા અઠવાડિયે ૪૧૦ કેસ નોંધાયા હતા, જ્યારે બે અઠવાડિયાં પહેલાં ૨૯૮ કેસ નોંધાયા હતા. તે જ સમયે, મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે કોરોનાના ૨૮૭ કેસ નોંધાયા હતા, જ્યારે બે અઠવાડિયાં પહેલાં ૧૮૫ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોનાના ૩૨૬ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે, ૬૭ દિવસ પછી સક્રિય કેસની સંખ્યા ૩,૦૦૦ને વટાવી ગઈ છે.
દેશમાં કોરોનાથી મૃત્યુઆંક ૫,૩૦,૭૭૫ છે, જ્યારે સક્રિય કેસ વધીને ૩,૦૭૬ થઈ ગયા છે. તે જ સમયે, દેશમાં કોરોનાના ૪.૪૬ કરોડ કેસ નોંધાયા છે. કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કોરોનાના અડધાથી વધુ સક્રિય કેસ છે. કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ ૧૪૭૪, કર્ણાટક ૪૪૫ અને મહારાષ્ટ્રમાં ૩૭૯ છે. કોરોનાના કેસોમાં અચાનક વધારાની સાથે એચ૩એન૨ ઈન્ફ્લ્યુએન્ઝા વાઇરસના કેસમાં પણ વધારો થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એચ૩એન૨ ઈન્ફ્લ્યુએન્ઝાના વધતા કેસોની ચર્ચા કરવા માટે દેશની મોટી હોસ્પિટલોના ટોચના આરોગ્ય નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. જેમાં ઈન્ફ્લ્યુએન્ઝાના વધતા જતા કેસોની ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. અજય શુક્લાએ જણાવ્યું કે તમામ વાઇરલ તાવમાં લગભગ સમાન લક્ષણો હોય છે. તમને વહેતું નાક, હળવી ઉધરસ, તાવ, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો હોઈ શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે ભારતમાં ઈન્ફ્લ્યુએન્ઝાના કેસમાં જે દરે વધારો થયો છે તે સૂચવે છે કે આ તબક્કો લાંબો સમય ચાલશે. ઉધરસ અને દુખાવા જેવાં તેનાં લક્ષણો ત્રણ અઠવાડિયા સુધી ટકી શકે છે. બીજી બાજુ, સિઝનલ તાવ અને ઉધરસ સામાન્ય રીતે લગભગ પાંચથી સાત દિવસ સુધી રહે છે. ડો.ચંદ્રકાંત લહેરિયા કહે છે કે છેલ્લાં બે વર્ષથી લોકો ઘરની બહાર નીકળ્યા નથી. આ કિસ્સામાં કોઈ એક્સપોઝર નથી. હવે લોકો બહાર આવી રહ્યા છે તેથી ઈન્ફ્લ્યુએન્ઝાના કેસ વધી રહ્યા છે. ફ્લૂ વાઇરસ બદલાતો રહે છે. આ સિઝનમાં ફ્લૂ સામાન્ય છે.