G૨૦ અંતર્ગત અમદાવાદમાં આજથી બે દિવસ માટે U૨૦- અર્બન સમિટની પ્રથમ શેરપા બેઠકનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો. આ દરમિયાન તેમણે માહિતી આપી કે, સરકાર નેટ ઝીરો, ટ્રાન્ઝિટ ઓરિયન્ટેડ ડેવલોપમેન્ટ અને સમાજના નબળા વર્ગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક પરિયોજનાઓ ચલાવી રહી છે. મુખ્યમંત્રીએ ગુજરાતનો શહેરી વિકાસ, સમૃદ્ધ ઈતિહાસ અને પ્રવર્તમાન વિકાસ યાત્રાનો ઉલ્લેખ કર્યો. સાથે જ વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રહેતા કરેલી કામગીરી વિશે પણ જણાવ્યું હતું.
આ ઉપરાંત ગુજરાતના પ્રાચિન ઈતિહાસની પણ મુખ્યમંત્રીએ વાત કરી હતી. ભારતના G-૨૦ શેરપા અમિતાભ કાંતે જણાવ્યું કે, શહેર આયોજન મોટર કાર માટે નહિ, પરંતુ લોકો માટે થવું જોઈએ. શહેરો માટે જળ વ્યવસ્થાપન આવશ્યક છે, ત્યારે પાણીનું રિસાઈકલ થવું જરૂરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા શહેરો આર્થિક વિકાસના પીઠબળની સાથે-સાથે સામાજીક-સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્રો પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના શહેરોની સંપૂર્ણ કાયાકલ્પ કર્યો અને તેના પગલે શહેરોમાં ‘ઈઝ ઓફ લિવિંગ’ વધ્યુ. છેલ્લાં દશકાઓમાં ગુજરાત સરકારે પણ નેટ ઝીરો, ટ્રાન્ઝિટ ઓરિયન્ટેડ ડેવલોપમેન્ટ અને સમાજના નબળા વર્ગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક પરિયોજનાઓ કાર્યાવન્તિ કરી છે. સમગ્ર વિશ્વમાં શહેરીકરણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે હાલમાં અસંતુલિત વિકાસ, આવન-જાવન કે ભીડની સમસ્યા, પર્યાવરણીય અસંતુલન અને સાર્વજનિક સેવા વિતરણમાં ઊભી થનારી સમસ્યાઓનું પરિણામલક્ષી સમાધાન હોય તે રીતે શહેરી વિકાસ યોજનાઓની ડિઝાઇન ઊભી કરવી જોઈએ તે સમયની માગ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના પ્રયાસોના પગલે ગુજરાતના શહેરોને જાહેર માળખાગત સુવિધાઓમાં નૃતન સંશોધનો અને ઈ-ગર્વનન્સને અગ્રિમતા આપી છે. તેના પરિણામે અમદાવાદમાં બીઆરટીએસ જનમાર્ગ સુવિધા, મેટ્રો રેલ પ્રોજેક્ટ, ડિજિટલ ગર્વનન્સ, અર્બન કનેક્ટિવિટી પ્રોજેક્ટ સાકાર થયા છે. એટલું જ નહીં, રાજ્યના શહેરોમાં સિટીઝન સેન્ટ્રિક સેવા- નાગરિક સુવિધા કેન્દ્રો, ઓનલાઇન ડેવલોપમેન્ટ પ્લાન્ટ પાસિંગ તથા બી.યુ.પરમિશન જેવી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતને G૨૦ બેઠકોની અધ્યક્ષતા કરવાનું શ્રેય મળ્યું છે, તે આપણા માટે ગૌરવની વાત છે. તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ બેઠક વર્તમાન શહેરી વિષયક બાબતો માટે સર્વસમાવેશી-લાંબાગાળાના આર્થિક લાભ માટેની સર્વાધિક સંભવિત અવસરોને ઉપલબ્ધ કરવાનું એક પ્લેટફોર્મ પૂરવાર થશે.