એટ્રોસિટી એક્ટ અંગે સુપ્રિમ કોર્ટે કરેલી ટિપ્પણી બાદ ગુજરાત જ નહીં, દેશભરના દલિતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રવિવારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યક્રમમાં દલિત નેતાઓએ એવી ચિમકી ઉચ્ચારી છે કે, જો ૧૪મી એપ્રિલ પહેલાં મોદી સરકાર એટ્રોસિટી એક્ટ અંગે વટહુકમ નહીં લાવે તો, આગામી બાબાસાહેબની જન્મજયંતિના દિને ભાજપના નેતાઓને ડૉ.આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરતા અટકાવવામા આવશે.
અમદાવાદમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મચ અને સાથી સંગઠનો દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ ચિમકી ઉચ્ચારી હતી કે, આ કાયદા અંગે નિર્ણય આપનારા જજ સામે મહાભિયોગની માંગ ઉભી કરવામાં આવશે.
૧૪મી એપ્રિલે અમદાવાદના સારંગપુર ખાતે દલિતો માનવસાંકળ રચીને ભાજપના એકેય નેતાને ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જવા દેશે નહીં. એટલુ જ નહીં,પ્રતિમાને ફુલહાર પણ કરવા દેવામાં આવશે નહીં. દરેક જિલ્લામાં દલિતો આવો કાર્યક્રમ ઘડી કાઢશે. માત્ર ગુજરાતમાં જ નહીં, દેશભરમાં તમામ સ્થળોએ આંબેડકરની પ્રતિમાને ભાજપના નેતાઓ ફુલહાર ન કરે તે માટે આગોતરુ આયોજન કરાશે.