રાત્રિના ૧૨ વાગતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ ૨૦૨૨ને ગુડબાય કહીં નવા વર્ષ ૨૦૨૩ને વેલકમ કહ્યું હતું. એવામાં અમદાવાદમાં મારામારીની ઘટના સામે આવી છે. અમદાવાદના વાયએમસીએ ક્લબના બાઉન્સરોએ પબ્લિક સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ કબ્લમાં તોડફોડ કરી હતી.કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ને વિદાય આપવા અને નવા વર્ષનું સ્વાગત કરવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એવામાં અમદાવાદના વાયએમસીએ ક્લબમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ક્લબના બાઉન્સરો અને પાર્ટીમાં આવેલા લોકો આમને સામને આવી ગયા હતા.
નવા વર્ષની ઉજવણી વચ્ચે અમદાવાદના વાયએમસીએ ક્લબમાં ક્લબના બાઉન્સરોએ પબ્લિક સાથે મારામારી કરી હતી. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ કબ્લમાં તોડફોડ કરી હતી. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે ક્લબમાં ચાલતી પાર્ટી બંધ કરાવતા મામલો બિચક્યો હતો. તો બીજીતરફ સિંધુ ભવન રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ક્લબોમાંથી પસાર થતા લોકોને કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
પોલીસ દ્વારા ટ્રાફિક દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. સમગ્ર અમદાવાદમાં યુવાનો દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના એસજી હાઇવે પર અને સિંધુભવન રોડ પર આવેલા પાર્ટી પ્લોટ તેમજ કલબોમાં NEW YEAR પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. યુવક યુવતીઓએ ડાન્સ કરી નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સિંધુભવન રોડ પર આવેલા લેવિસ ગ્રીન પાર્ટી પ્લોટમાં યોજાયેલી પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ડીજેના તાલે ડાન્સ કરી નવા વર્ષની ઉજવણી કરી હતી.
આ ઉપરાંત જજીસ બંગ્લો રોડ ઉપર સાન્તાક્લોઝ અને ટેબલો સાથે બાળકો નાચતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જજીસ બંગલો રોડ પર લોકો પોતાના બાળકો સાથે સાન્તાક્લોઝ સાથે ફોટા પડવાતા જોવા મળ્યા હતા. તેમજ સીજી રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે સીજી રોડ પર ચાલતા આવતા લોકોની અવરજવર વધતા વાહનોની અવરજવર બંધ કરાવવામાં આવી છે. સમગ્ર સીજી રોડ ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સીજી રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું હતું.
સીજી રોડ ઉપર આવેલ મ્યુનિસિપલ માર્કેટમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી. વર્ષ ૨૦૨૨ને વિદાય આપવા અને નવા વર્ષનું સ્વાગત કરવા સુરતમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાર્ટી પ્લોટ, કલબો સહિતની જગ્યાઓ પર ડીજે પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો ડીજેના તાલે ઝુમી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. સુરતના રી બાઉન્સ ખાતે ૩૧જંની પાર્ટીમાં લોકો ઉત્સાહ ભેર ઝૂમ્યા હતા. શહેરમાં નવા વર્ષની ઉજવણીનો માહોલ બરોબર જામ્યો હતો.
ભારે ઉત્સાહ સાથે લોકો મનમુકીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. સુરતના વેસુ ખાતે આવેલા રીબાઉન્સ ગેમ ઝોન ક્લબ ખાતે ૩૧STની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહી મોટી સંખ્યામાં સુરતના લોકો ઉજવણીમાં જોડાયા હતા. યુવા યુવતીઓ ગ્રુપ બનાવી આ પાર્ટીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈને તહેવારોની ઉજવણી થઇ શકી ન હતી. પરંતુ હવે નિયંત્રણો હળવા થતા મોટી સંખ્યામાં લોકો થર્ટી ફસ્ટની ઉજવણીના આયોજનમાં પહોચ્યા હતા. ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ડીજેના તાલે યુવાનો ઝૂમી રહ્યા છે અને નવા વર્ષનું સ્વાગત કર્યું હતુ.