એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ફાઉન્ડેશન (એએસીસીઆઈ)ના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયાના અવસરે ઓફિસ ખોલી
એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ફાઉન્ડેશન (એએસીસીઆઈ) એ ગુજરાતમાં અમદાવાદ ખાતે સર્વપ્રથમ એવી ગ્લોબલ સેક્રેટરીયાટ ઓફિસ શરૂ કરી છે. એએસીસીઆઈના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે આ શુભારંભ કરવામાં આવ્યો છે. એએસીસીઆઈને તાજેતરમાં જ ઈન્ડિયન ગ્લોરી બૂક ઓફ રેકોર્ડ્સમાં ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી ચેમ્બર તરીકે માન્યતા મળી હતી.
આ શુભ પ્રસંગે સંબોધન કરતા એએસીસીઆઈના સ્થાપક અને ચેરમેન ડૉ. જી. ડી. સિંઘે જણાવ્યું હતું કે, “ટૂંકા સમયમાં જ અમારી મોટી સિદ્ધીઓ બદલ અમને ગર્વની લાગણી થાય છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે એશિયા અને આફ્રિકા વચ્ચેના તમામ 102 દેશો વચ્ચેનું અંતર દૂર કરવા માટે અમે કરેલો પ્રયત્ન પર અમને ગર્વ છે, જે અગાઉ ક્યારેય પણ થયું ન હતું.”
ભારત અને આફ્રિકા ઉત્કૃષ્ઠ મિત્રતા ધરાવે છે. બંનેનો કોલોનિયલ ઈતિહાસ સરખો રહ્યો છે અને વાણિજ્ય જોડાણની પણ બંને દેશો લાંબો ઈતિહાસ ધરાવે છે. ભારતીય મૂળના 30 લાખ લોકો આફ્રિકામાં સ્થાયી થયા છે જેમાંથી અડધા ઉપરાંતના તો ગુજરાતી છે. તેઓ કેન્યા, યુગાંડા, ટાંઝાનીયા, દક્ષિણ આફ્રિકા, ઓમાન, માડાગાસ્કર અને મોરેસિયસ જેવા પૂર્વ આફ્રિકાના દેશોમાં મોટા પ્રમાણમાં સ્થાયી થયા છે, જેમાં તેમણે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે.
આ બે ખંડો વૈશ્વિક બજારોમાં પણ અત્યંત મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2024-25માં ભારતનું અર્થતંત્ર 5 ટ્રિલિયન ડૉલરનું કરવાની યોજના ધરાવે છે. જ્યારે સંશાધનોથી સમૃદ્ધ આફ્રિકા વિશ્વના ઝડપથી વિકસતા અર્થતંત્રો સાથે પહેલેથી જ 2.6 ટ્રિલિયન ડૉલરની મજબૂત જીડીપી ધરાવે છે.
આફ્રિકા 2030 સુધીમાં વૈશ્વિક માનવબળ અને ઉપભોક્તા બજારનો અંદાજે ચોથો ભાગ ધરાવતું હશે તેવો અંદાજ છે જેથી સમગ્ર ખંડ વિશ્વની સરકારો અને કારોબારો માટે અત્યંત સદ્ધર ભાગીદાર બની રહેશે. ભારત આ ખંડમાં 74 બિલિયન ડૉલરના રોકાણો સાથે ટોચના પાંચ રોકાણકારોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આમાંથી નોંધપાત્ર રોકાણ ગુજરાત રાજ્યમાંથી આવે છે. આંકડાઓમાંથી ઝડપથી થઈ રહેલા આ વધારાને પગલે રાજ્યમાં જીએસએ ખોલવાની જરૂરીયાત ઉભી થઈ છે. એએસીસીઆઈ દ્વારા કરવામાં આવેલી પહેલથી બંને ખંડો વચ્ચે સીધા અને ઝડપી કારોબારને સુવિધા મળી રહેશે, જીએસએ તેના તમામ ભાગીદાર દેશો માટે સાતત્યપૂર્ણ અને સર્વાંગી આર્થિક વિકાસ માટેની તકો ઉભી કરશે.
“જીએસએ એશિયા અને આફ્રિકામાં 102માંથી કોઈપણ દેશની તમામ કારોબારી જરૂરીયાતો માટે સહકાર પ્રદાન કરશે અને તમને દરેક પગલે મદદ કરશે,” તેમ ડૉ. સિંઘે જણાવ્યું હતું.