ગુજરાતભરના મોટા શહેરોમાં સિન્થેટિક્સ મિલ્કનો વેપાર થતો અટકાવવા અને દૂધની ગુણવત્તા ખરેખર નિયમ મુજબની છે કે નહિ તે પ્રસ્થાપિત કરવા માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, રાજકોટ, આણંદ, દાહોદ, હિમ્મતનગર, નડિઆદ, ગોધરા, મહેસાણા, અમરેલી, નવસારી, જામનગર, પાલનપુર અને સુરેન્દ્રનગરમાં દરોડા પાડીને મોડી સાંજ સુધીમાં કુલ ૧૪૫થી વધુ સેમ્પલ કલેક્ટ કર્યા છે.
ગાયના દૂધના નામે લૂઝ દૂધ વેચનારાઓને રોકીને પણ તેમની પાસેથી સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. ભેંસના દૂધના છૂટક વેચાણકારોને પણ અટકાવીને તેમની પાસેથી સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. સુરત સહિતના અનેક વિસ્તારોમાંથી આ રીતે સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. ફેરિયા ઉપરાંત દૂધનો વેપાર કરતી દુકાનોમાંથી પણ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. સુરતમાં સુમુલ ડેરીમાંથી પણ દૂધના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. ભુજમાં સરદ ડેરી કચ્ચ કોઓપરેટીવ મિલ્ક પ્રોડક્ટ્સના સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે.
આ જ રીતે ભચાઉના વી.એસ. મિલ્ક પ્રોડક્ટ્ના સેમ્પલ્સ પણ લેવાયા છે. રાજકોટમાં છૂટક દૂધનો વેપાર કરનારા ૧૫ જણના સેમ્પલ્સ લેવાયા છે. આ સાથે જ સફેદ દૂધના કાળા કારોબારને ડામવા માટે તંત્રએ પગલાં લેવાનો આરંભ કર્યો છે. સામાન્ય રીતે દૂધમાં એમોનિયમ સલ્ફેટ, યુરિયા, માલ્ટો ડેક્સ્ટ્રીન, પાણી અને સુક્રોઝ (સુગર)ની સેળભેળ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવે છે. સિન્થેટિક્સ દૂધ બનાવવા માટે જુદા જુદા પ્રકારના શેમ્પૂ અને ઇતર વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
ગુજરાત સરકારે દૂધની ભેળસેળ પકડવા માટે ખાસ વસાવેલી વૅનમાં બેસાડવામાં આવેલા મિલ્કોસ્કેનની મદદથી તેમાં કરવામાં આવેલી ભેળસેળને પકડી શકાય છે. તેમ જ ફેટ સિવાયની કોઈ સોલીડ વસ્તુની ભેળસેળ કરવામાં આવી હોય તો તે પણ પકડી શકાય છે.