ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૭૩ વિધાનસભાની બેઠક હંમેશા ચર્ચાસ્પદ રહી છે. ત્યારે ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપને ભવ્ય જીત મળી છે. ગીતાબા જાડેજા ગોંડલની સીટ પર ઐતિહાસિક ૪૩ હજારથી વધુ મતની લીડથી જીત્યા છે. મત ગણતરી કેન્દ્રથી ગીતાબા જાડેજા ગોંડલ આશાપુરા મંદિર અને બાપ્સ અક્ષર મંદિર ખાતે દર્શન કર્યા હતા. ત્યાર બાદ “ગીતાવીલા” ખાતે આવી પોહચ્યા હતા, જ્યાં સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના સમર્થકો દ્વારા ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજાને ફુલહાર પહેરાવી, પેંડા ખવડાવવામાં આવ્યા છે. સવારથી જ ગોંડલમાં ભવ્ય આતશબાજી જોવા મળી હતી.
ગોંડલ ૭૩ વિધાનસભા બેઠક પર ક્ષત્રિય સમાજના બન્ને જૂથ આમને સામને જોવા મળ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાને ૪૩ હજાર મતની લીડ મળી હતી. ભાજપના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી અને પેંડા ખવડાવી મોઢા મીઠા કરવામાં આવ્યા હતા. આશાપુરા રોડ ખાતે આવેલ ગીતાબા જયરાજસિંહ જાડેજાના ઘરે “ગીતા વીલા” ખાતે પુના, મુંબઈ, નાસિકથી બેન્ડ પાર્ટી આવી પહોંચી છે. ભાજપના મોટી સંખ્યામાં સમર્થકો ગોંડલ આવી પોહચ્યા છે અને જીતનો જશ્ન માનવવામાં આવી રહ્યો છે. ગોંડલ શહેરના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ નીકળશે જે બાદ માંડવી ચોક ખાતે વિજય સભા યોજાશે. ગોંડલ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગોંડલ ૭૩-વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજા લીડથી આગળ રહ્યાં હતા. જે બાદ તેમની જીત થતા તેમના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ THANK YOU GONDAL લખેલું ટીશર્ટ પહેરી ૭૩ વિધાનસભા ગોંડલ બેઠકના સૌ સમર્થકોનો આભાર માન્યો હતો. આ સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમના નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા અને ફટાકડા ફોડીને ભવ્ય જીતની આતશબાજી કરી હતી.