મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કર્ણાટક સાથે સીમા વિવાદને લઈને ઉભી થયેલી હાલની સ્થિતિના સમાધાન માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. બીજી તરફ વિપક્ષે આ મામલે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે અને સીમા મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર પર નિશાન સાધ્યુ હતું. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે અને તેમણે છેલ્લા એક સપ્તાહમાં કર્ણાટક સાથે થયેલા સીમા વિવાદ સાથે સબંધિત ઘટના ક્રમની જાણકારી આપી છે.
ફડણવીસના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન પ્રમાણે શાહે દાયકાઓ જૂના સરહદ વિવાદ પર મહારાષ્ટ્રના વલણ અંગે ડેપ્યુટી સીએમની રાયને ધીરજપૂર્વક સાંભળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં સીમા વિવાદ વધવાને કારણે બંને રાજ્યોમાં સરહદી વિસ્તારોમાં તણાવ ઉભો થયો છે.
ફડણવીસે શાહને મંગળવારે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતની પણ જાણકારી આપી હતી. ફડણવીસે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી શાહની દરમિયાનગીરીની માંગ કરી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રથી જતા વાહનોની તોડફોડ સારી બાબત નથી. બે રાજ્યો વચ્ચે આવી સ્થિતિ યોગ્ય નથી. અમિત શાહને જાણ કરી છે કે, મેં ગઈ કાલે કર્ણાટકના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને વિનંતી કરી છે કે, તેમણે પણ બોમ્માઈ સાથે વાત કરવી જોઈએ. શાહે કહ્યું કે, તેઓ આ મામલાની તપાસ કરશે.
બીજી તરફ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, કર્ણાટક સાથેનો સીમા વિવાદ ભાજપ દ્વારા મહારાષ્ટ્રને વિભાજન કરવાના ષડયંત્રના ભાગરૂપે ઉશ્કેરવામાં આવી રહ્યો છે અને મુખ્ય મંત્રી એકનાથ શિંદેને સરકારનું વલણ સ્પષ્ટ કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલેએ આરોપ લગાવ્યો કે, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ કેન્દ્ર સરકાર અને પસંદગીના ઉદ્યોગપતિઓના ઈશારે કામ કરી રહ્યા છે. જો કે, મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના દેવની તહસીલના એક ગામના રહેવાસીઓએ સ્થાનિક સ્તરે મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ કરીને ગામને કર્ણાટકમાં સમાવવાની માંગ કરી છે. દેવની તાલુકામાં ૧,૨૦૦ની વસ્તી ધરાવતા બોમ્બલી બુદ્રુક ગામના રહેવાસીઓએ ચેતવણી આપી છે કે, તેઓ આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે.