રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જોકે, બીજા તબક્કાના મતદાન માટે હાલ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ત્યારે મહેસાણાના નુગરમાં કેન્દ્રીય ગૃહમત્રી અમિતશાહની સભા યોજાઈ હતી. જ્યા અમિતશાહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસ સરકારે મહેસાણા જિલ્લાના ખેડૂતોને એટલો માર માર્યો હતો કે એમના સ્લીપર અને ચપ્પલથી આખી ટ્રક ભરાઈ જાય. કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસના જમાનામાં સમગ્ર ગુજરાતની અંદર રોજબરોજ રમખાણો થતા હતા.
ગુજરાતની શાંતિ આ કોંગ્રેસિયાઓએ બદલી નાખી, કોંગ્રેસ સરકારે મહેસાણામાં ખેડૂતોને માર માર્યો હતો. ત્યારબાદ ૨૦૦૨ના રમખાણ કરવાવાડા હુલ્લડખોરોને ભાજપની સરકારે એવો પાઠ ભણાવ્યો કે, એ લોકો ખોર ભૂલી ગયા. કોંગ્રેસે જો વિકાસ કર્યો હોય તો તેઓ યાદી લઈને આવે. તેમજ કેન્દ્રીય મંત્રી અમિત શાહે સરકારની વિવિધ વિકાસની ગાથાઓ વર્ણવતા જણાવ્યું કે, મહેસાણા જિલ્લામાં એક લાખ ચાલીસ હાજર બહેનોને ગેસના સિલિન્ડર આપવાનું કાર્ય નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. મહેસાણાના ૨ લાખ ૭૦ હજાર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ રુપિયા આપવામાં આવ્યા છે. મહેસાણામાં પેટનું પાણી ના હલે એવાં રસ્તા બનાવાયા છે. મહેસાણા ડેરીને ભ્રષ્ટાચાર મુક્ત કરી દૂધ ઉત્પાદનને બહું ઉંચા ભાવ આપવાની કામગીરી આ ભાજપ સરકારે કરી છે. ૧ હજાર કરોડ રુપિયા બહેચરાજી મંદિરના વિકાસ માટે ખર્ચવાનું નક્કી કર્યું છે.
વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે ૭૦ વર્ષથી નાખેલી કાશ્મીરની કલમ ૩૭૦ ભાજપની સરકારે ૫મી ઓગસ્ટ ૨૦૧૯એ હટાવી નાખી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરને હંમેશા માટે ભારતની સાથે જોડવાનું કામ કર્યું. કોંગ્રેસે ૭૦-૭૦ વર્ષથી રામ મંદિરના કેસને કોર્ટ-કચેરીના કેસમાં ગુંચવાળી રાખતા હતા. હવે ૧ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે અયોધ્યામાં ગગનચૂંબી રામ મંદિર બનીને તૈયાર થઇ રહ્યું છે. તેમજ અમિતશાહે ભાજપના ઉમેદવારોને જીતાડવાની અપીલ કરી હતી. સભા સંબોધતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નર્મદા યોજના મારા જનમ પહેલા ચાલુ થઈ હતી પરંતુ કોંગ્રેસે નર્મદા યોજનાનું કામ અટકાવી રાખ્યું હતું. નર્મદાના નિર મહેસાણા થઈ રાજસ્થાન બાજુ જાય છે. ઉત્તર ગુજરાતને નર્મદાનું પાણી ન મળ્યું હોય તો આજ ઉત્તર ગુજરાત આપણે હિજરત કરવાનો વારો આવત. ઉત્તર ગુજરાતના લગભગ ૩૦૦૦થી વધારે તળાવમાં ૧૫૬૦ કરોડના ખર્ચે નર્મદાનું પાણી નાખી પાણીના તળ ઊંચા લાવવાનું કામ કર્યું છે.