રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઈ રહી છે. પહેલી નવેમ્બરે પહેલા તબક્કાનું અને પાંચમી નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન છે. ત્યારે ગુજરાતમાં પોતાની સરકાર બનાવવા તમામ રાજકીય પાર્ટીઓ ગામડે ગામડે સભાઓ ગજવી રહી છે. વડાપ્રધાને નેત્રંગ, ખેડા અને સુરતમાં જનમેદનીને સંબોધન કર્યું હતું. જયારે વડાપ્રધાને પાલીતાણા અંજારમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. પાલિતાણામાં વડાપ્રધાનની સભા પહેલાં કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. પાલીતાણામાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે પાલિતાણાએ રંગ રાખ્યો લાગે છે. હું સુરતથી આવી રહ્યો છું, ગઇકાલે સાંજે સુરતમાં મારી સભા હતી, નક્કી થયા પ્રમાણે એરપોર્ટથી મારે સભામાં જવાનું હતું. જેથી આખું સુરત રોડ પર ઊતરી આવ્યું હતું, નક્કી કર્યા વગર રોડ શો કર્યો. આપણું ગુજરાત વિકસિત બને, નવી ઊંચાઈઓને પાર કરે એની ચૂંટણી છે. હું જ્યા જાઉં ત્યાં એક જ અવાજ, એક જ મંત્ર ફીર એકબાર… લોકોના મનમાં વારંવાર ભાજપ સરકાર લાવવાનું મન એટલે થાય છે કે વડીલોને ખબર છે પહેલાં દેશને કેવી રીતે વેરવિખેર કરી દીધો હતો. સરદાર વલ્લભભાઇ પટેલે દેશને એક કરવાનું બીડું ઉઠાવ્યું, રાજા-મહારાજાઓએ સ્પોર્ટ કર્યો. સૌથી પહેલાં ભાવનગરના મહારાજાએ દેશનો વિચાર કર્યો અને દેશની એકતા માટે રાજપાટ સમર્પિત કરી દીધું. રાષ્ટ્ર માટે આવડા મોટા ત્યાગની ભાવનગરે શરૂઆત કરી, આ ગોહિલવાડની ધરતીને સલામ કરૂ છું. આપણે સરદાર પટેલનું સ્ટેચ્યૂ બનાવ્યું, જેમ દેશની એકતામાં સરદાર પટેલનું યોગદાન હતું, તેમ રાજવી પરિવારોનું પણ યોગદાન હતું, જેથી જ્યાં સરદાર પટેલનું સ્ટેચ્યૂ છે ત્યાં જ રાજવી પરિવારનું મ્યુઝિયમ બનાવવાનું નક્કી કર્યું છે.વડાપ્રધાને વધુમાં કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં ગુજરાત અસુરક્ષિત હતું. પહેલાં ગુજરાતમાં આંતરે દિવસે બોમ્બધડાકા થતા, છેલ્લાં ૨૦ વર્ષથી આ દુકાનો બંધ થઇ ગઈ. ભાજપની સરકારમાં ગુજરાત સુરક્ષિત થયું, વિકાસ થયો અને વેપાર વધ્યો.
ગુજરાતમાં ગામડા અને શહેરમાં એકતાનું વાતાવરણ ભાજપની સરકારમાં થયું છે. આ કારણે જ કોંગ્રેસની વિદાય ગુજરાતમાંથી થઈ ગઇ છે. જોં કોગ્રેસને ગુજરાતનો હિસ્સો બનવું હશે તો જાતિવાદ છોડવો પડશે, રંગ બદલવાનું છોડવું પડશે. એકતાનું પરિણામ સારું હોય, ખાલી તમે નર્મદાનું પાણી, સૌની યોજના જેવી તમામ યોજના લઈ લો, આ આપણી એકતાથી થયું છે. જેણે ૪૦-૪૦ વર્ષ સુધી ગુજરાતને તરસ્યું રાખ્યું તેના ખભે હાથ મૂકીને એક ભાઈ પદ માટે પદયાત્રા કરે છે, પરંતુ તેમને ક્યાં ખબર છે કે, ગુજરાતમાં તો એક લાખ વણઝારો વાવ ખોદે તોપણ તરસ છીપી જાય. જેની જોડે ફોટો પણ ન પડાવાય તેના જોડે યાત્રા કરવી એને ગુજરાત ક્યારેય નહીં સ્વીકારે. પી.એમ મોદીએ કહ્યું કે, ગુજરાતમાં ૧૩ લાખથી વધુ ખેડૂતો ટપક સિંચાઈથી ખેતી કરીને પાણી બચાવે છે .ખેડૂતોને વીજળી જોઈએ પણ બિલ મોંઘું પડે છે. જેથી હવે આપણે ખેતરે ખેતરે સોલર પ્લાન્ટનું આયોજન કરી રહ્યા છીએ. દેશમાં ૮૫ ટકા ખેડૂતો નાના છે, પણ તોય તેમને અનેક યોજનાનો લાભ મળે છે. મોદી તમારા વચ્ચે મોટો થયો એને નાના ખેડૂતની ચિંતા થઈ તો પીએમ કિશાન યોજના લઈ આવ્યો. ભાવનગરમાં અઢી લાખ ખેડૂતોનાં ખિસ્સાંમાં ૫૧૦ કરોડ રૂપિયા પીએમ કિશાન યોજનાથી મળ્યા છે. ખેડૂતોને ઓછો બોજ આવે એ માટે અમે કામ કર્યું. આપણા દેશને ખાતરની અછત છે, બહારથી લાવવું પડે છે, દુનિયાભરમાં ખાતર મોંઘું થયું છે, પણ અમે સસ્તું આપીએ છીએ. સરકારને ખાતરની થેલી ૨૦૦૦માં પડે છે, અમે ખેડૂતને ૨૭૦ રૂપિયામાં આપીએ છીએ, યુરિયાની એક થેલીમાં ૧૬૦૦-૧૭૦૦ સરકાર ભરે છે, તમને ૨૦૦-૩૦૦માં મળે છે. હવે નેનો યુરિયા લાવ્યા છીએ, યુરિયાની એક થેલી બરાબર નેનો યુરિયાની એક બોટલ કામ કરે છે. અમે ખેડૂતનો ખર્ચો કંઈ રીતે ઘટે એ અંગે સતત વિચારતા હોઈએ છીએ. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે લોકો મને કહેતા કે નરેન્દ્રભાઇ સાંજે વાળુ કરતી વેળાએ વીજળી મળે એવું કરો. મેં કહ્યું, હું ૨૪ કલાક આપીશ, તો કોંગ્રેસિયા મારી મજાક ઉડાવતા હતા કે આ કોઈ દિવસ સરપંચ પણ નથી થયો અને સીએમ થઈ ગયો છે તો કેવા વાયદા આપે છે. આ વાયદાને મે પુરા કર્યા. આપણે જ્યોતિગ્રામ યોજના લાવ્યા અને ગુજરાતને અંધકારમાંથી બહાર લાવ્યા, આ ભાજપથી જ થાય, કોંગ્રેસથી નહીં. રોરો-ફેરીથી ટૂરિઝમને ફાયદો થયો, દેશનો કોઈ જૈન પરિવાર ન હોય, જે પાલિતાણા ન આવ્યો હોય. ૨૦૧૪ પહેલા કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે ૬૦ ગ્રામપંચાયતમાં ઓપ્ટિકલ ફાઇબર નાખ્યું હતું, અમારી સરકારે ૮ વર્ષમાં ૩ લાખ ગ્રામપંચાયતમાં ઓપ્ટિકલ ફાઇબર નાખ્યું, ગામડે ગામડે વિકાસ થયો. ગુજરાતના હજારો યુવાનોને રોજગાર મળે છે, સૌરાષ્ટ્ર ઉદ્યોગોથી ધમધમી રહ્યું છે. ગુજરાતના લોકોને હિજરત કરીને બહાર જવું પડતું હતું, આજે આખો દેશ અહીં કમાવવા આવે છે. દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલ ભાવનગરમાં બનવા જઈ રહ્યું છે, જેથી હજારો યુવાનોને રોજગારી મળશે. આવતાં ૨૫ વર્ષમાં ગુજરાતને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ રાજ્ય બનાવવું છે, તમારે સાથ આપવાનો છે, તમારે અહીં કમળ ખીલતું રાખવાનું છે, તમારે તમામ બેઠકમાં ધ્યાન આપવું પડશે. તમારે દરેક પોલિંગ બૂથ પર વધુમાં વધુ મતદાન કરાવવાનું છે. તમારે મારું અંગત કામ કરવાનું છે, ઘરે ઘરે જઈને વડીલોને પ્રણામ કરીને કહેવાનું છે કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને નમસ્કાર કર્યા છે