ગુજરાતી ચલચિત્રોના ત્રણ વર્ષના પારિતોષિકો જાહેર થયા : કુલ ૩૨ કેટેગરીમાં એવોર્ડ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read
  • વર્ષ-૨૦૧૪-૧૫: શ્રેષ્ઠ ચલચિત્ર ‘બે યાર’ : શ્રેષ્ઠ અભિનેતા પ્રતિક ગાંધી અને શ્રેષ્ઠ અભિનેત્રી પ્રિનલ ઓબેરોય
  • વર્ષ-૨૦૧૫-૧૬: શ્રેષ્ઠ ચલચિત્ર પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર : શ્રેષ્ઠ અભિનેતા મેહૂલ સોલંકી અને શ્રેષ્ઠ અભિનેત્રી શિતલ શાહ
  • બે યારને ૧૪ એવોર્ડ : પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયરને દસ અને હુ તુ તુ તુ – આવી રમતની ઋતુને આઠ એવોર્ડ 

રાજ્ય સરકારે ગુજરાતી ચલચિત્રોના વિકાસ-પ્રોત્સાહન માટે નવી ચલચિત્ર નીતિ ઘડી છે. તદ્અનુસાર રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ગુજરાતી ચલચિત્રોના વિવિધ ક્ષેત્રોમાં કુલ ૩૨ કેટેગરીને લક્ષમાં લઇને પારિતોષિકો જાહેર કરી, એનાયત કરવામાં આવે છે.

રાજ્યના માહિતી ખાતા દ્વારા વર્ષ-૨૦૧૩-૧૪, વર્ષ-૨૦૧૪-૧૫ અને વર્ષ-૨૦૧૫-૧૬ એમ ત્રણ વર્ષના નિર્માણ પામેલા ચલચિત્રો માટે પારિતોષિકો એનાયત કરવા સંદર્ભે જે ચલચિત્રોની એન્ટ્રી આવેલી તેને ધ્યાને રાખી, જે તે વર્ષના પારિતોષિકોની જાહેરાત કરી છે.

આ પારિતોષકોમાં વર્ષ-૨૦૧૩-૧૪ દરમિયાન છ કેટેગરીમાં પારિતોષિક જાહેર કરાયા છે, જેમાં મુખ્યત્વે ગોવિંદ ઠાકોર રીક્ષાવાળો ફિલ્મમાં પોતાનો કંઠ આપનારા કીર્તિદાન ગઢવીને શ્રેષ્ઠ પાશ્વગાયક અને મા-બાપના આશીર્વાદ ફિલ્મ માટે વાસુ પાઠકને શ્રેષ્ઠ બાળ કલાકાર તરીકે પસંદ કરાયા છે.

આ જ રીતે વર્ષ-૨૦૧૪-૧૫માં નિર્માણ પામેલી બે યાર ફિલ્મે શ્રેષ્ઠ ચલચિત્ર ઉપરાંત શ્રેષ્ઠ દિગ્દર્શન -અભિષેક જૈન, શ્રેષ્ઠ અભિનેતા – પ્રતિક ગાંધી, શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેષ્ઠ સંગીત સહિતની ૧૪ કેટેગરીમાં ચૌદ પારિતોષિક મેળવી મેદાન માર્યું હતું. જ્યારે વર્ષ-૨૦૧૫-૧૬માં નિર્માણ પામેલી પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર ફિલ્મ શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શન – વિજયગીરી બાવા, શ્રેષ્ઠ અભિનેતા – મેહુલ સોલંકી સહિતની વિવિધ દસ કેટેગરીમાં પારિતોષિક વિેજેતા બનીને અગ્રેસર રહી હતી. જ્યારે આ જ વર્ષે નિર્માણ પામેલી હુ તુ તુ – આવી રમતની ઋતુ ફિલ્મે દ્વિતીય શ્રેષ્ઠ ચલચિત્ર તરીકે વિવિધ આઠ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા હતા. આ ફિલ્મની અભિનેત્રી શિતલ શાહે વર્ષ-૨૦૧૫-૧૬ના શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો અને શ્રેષ્ઠ નિદર્શન દ્વિતીય ક્રમનો એવોર્ડ પણ મેળવ્યો હતો. આ ઉપરાંત આ જ ફિલ્મનું શીર્ષક ગીત ગાનારા પાર્થિવ ગોહિલને શ્રેષ્ઠ પાર્શ્વગાયક અને આ જ વર્ષે નિર્માણ પામેલી બસ એક ચાન્સ ફિલ્મમાં લાગી રે….. લગન કર્ણપ્રિય ગીતમાં કંઠ આપનાર ઐશ્વર્યા મજમુદારને શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા તરીકે પારિતોષિક એનાયત કરાયો હતો.

રાજ્યના માહિતી ખાતા દ્વારા જાહેર કરાયેલા આ પારિતોષિકોમાં વર્ષ-૨૦૧૩-૧૪માં છ પારિતોષિક, વર્ષ-૨૦૧૪-૧૫માં ૨૨ પારિતોષિક અને વર્ષ-૨૦૧૫-૧૬માં ૨૫ પારિતોષિક મળી કુલ ૫૩ પારિતોષિક એનાયત કરાયા છે. આ પારિતોષિકો માટે જુદી જુદી કેટેગરીમાં ૧૬ જેટલા ગુજરાતી ચલચિત્રોની પસંદગી કરાઇ છે.

Share This Article