નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાએ અખનૂરમાં એક જાહેરસભાને સંબોધન કરતા રાજકીય દાવ ખેલ્યો હતો. ફારુક અબ્દુલાએ કહ્યું કે, ભગવાન રામ સૌના છે, ફક્ત હિન્દુ ધર્મના જ નથી. પોતાના આ નિવેદન બાદ નેશનલ કોન્ફ્રેન્સના નેતા મીડિયામાં જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ છવાઈ ગયા હતા.
નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલાએ કહ્યું કે, કોઈ ધર્મ ખોટુ શિખવાડતો નથી. પણ જે માણસ ભ્રષ્ટ હોય છે, તેમનો કોઈ ધર્મ હોતો નથી. આ દરમિયાન ફારુક અબ્દુલાએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, તે ચૂંટણી દરમિયાન હિન્દુ ખતરામાં છે, તેનો ખૂબ ઉપયોગ કરે છે. પણ હું આપને સલાહ આપું છું કે, આપ તેમની વાતોમાં ભરમાશો નહીં. તેની સાથે જ અબ્દુલાએ ૫૦ હજાર વેકન્સીની જાહેરાત પણ કરી હતી.
અબ્દુલાએ કહ્યું કે, અમે ક્યારેય પાકિસ્તાન સાથે હાથ નથી મિલાવ્યો. જિન્ના મારા પિતાને મળવા આવ્યા હતા. પણ અમે તેમની સાથે હાથ મિલાવ્યો નહીં, ના પાડી દીધી. અમે તેના માટે ખુશ છીએ. પાકિસ્તાનમાં લોકો સશક્ત નથી. આ દરમિયાન બોલતા અબ્દુલાએ કહ્યું કે, અમને અહીં ૫૦ હજાર નોકરીઓનું વચન આપ્યું હતું તે ક્યાં છે? આપણા ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને આપણા બાળકો બધા બેરોજગાર છે. શુક્રવારે સમાચાર આવ્યા હતા કે, ફારુક અબ્દુલાએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. પણ સાંજ થતાં થતાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ આ સમાચારોનું ખંડન કરી નાખ્યું.