કેન્દ્ર સરકાર પ્રેરિત મુદ્રા યોજના હેઠળ નાના બૅન્ક કસ્ટમર્સને લોન અપાવી દેવાને નામે તેમને ચોક્કસ ખાતાઓમાં ચોક્કસ રકમ જમા કરાવવાની સૂચના આપીને તેમની સાથે છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવાની સૂચના સ્ટેટ લેવલ બૅન્કર્સ કમિટીએ આપી છે.
આ સંદર્ભમાં દરેક બૅન્કોને એક પત્ર લખીને જાણ કરી છે. આ હકીકત અંગે તેમના થાપણદારોના જાણકારી આપવાની સૂચના પણ આપવામાં આવી છે. ગ્રાહકોને કેટલીક એજન્સીઓ ફોન કરે છે. તેઓ નજીવા વ્યાજદરે મુદ્રા યોજના હેઠળ લોન અપાવી દેવાની લોકોને લાલચ આપે છે. તેની સાથે તેમને ખાસ્સી એવી સબસિડીનો લાભ પણ મળશે તેવી લાલચ પણ આપવામાં આવે છે. આ રીતે કસ્ટમરને લલચાવ્યા પછી એજન્સીઓ ગ્રાહકને તેમને ત્યાં આવવા જણાવે છે. એકવાર ગ્રાહક તેમની ઑફિસમાં આવી જાય તે પછી તેમની સાથે લોન અંગે વાતો કર્યા બાદ તેમની લોન અરજીની પ્રક્રિયા કરવા માટે કેટલીક રકમ તેમના ખાતામાં જમા કરાવવાની સૂચના આપે છે.
આ રીતે એજન્સી પોતાના ખાતામાં કેટલીક રકમ જમા કરાવી લઈને પછી તે વ્યક્તિ સાથેનો સંપર્ક તોડી નાખે છે. આમ સંખ્યાબંધ ગ્રાહકો સાથે તેમણે બે હજારથી માંડીને પાંચ હજાર સુધીની છેતરપિંડી કરી હોવાનું જાણકારોનું કહેવું છે. આ એજન્સીઓ કેટલાક અખબારોમાં તેમની જાહેરાતો છપાવીને તેમના સંપર્ક નંબરો પણ આપે છે. આ પ્રકારે કસ્ટમર્સ સાથે છેતરપિંડી ન થાય તે હેતુથી સ્ટેટ લેવલ બૅન્કર્સ કમિટીએ રાષ્ટ્રીયકૃત બૅન્કોની દરેક શાખાઓને તથા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સને આ બાબતના સંદર્ભમાં ગ્રાહકોમાં કે બૅન્કના ખાતેદારોમાં વધુમાં વધુ જાગૃતિ લાવવાની સૂચના આપી છે.