ન્યૂઝીલેન્ડના ચાર બેટ્સમેનોની અડધી સદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમે ૨-૧થી શ્રેણી પોતાના નામે કરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે સૌપ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને ટી૨૦ શ્રેણી અને બાદમાં વન-ડે સિરીઝમાં પણ પછડાટ આપી છે. વેસ્ટ ઈન્ડિઝે ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૩૦૧ રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે ૪૭.૧ ઓવરમાં પાંચ વિકેટે ૩૦૭ રન કરીને લક્ષ્ય પાર પાડ્યું હતું. ટોમ લાથમે ૬૯ રનની ઈનિંગ રમતા તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. લાથમ અને ડેરિલ મિચેલ (૬૩) વચ્ચે ચોથી વિકેટ માટે ૧૨૦ રનની ભાગીદારી રહી હતી. ગુપ્ટિલે ૫૭ રન અને કોન્વેએ ૫૬ રનનો ફાળો આપતા બીજી વિકેટ માટે ૮૨ રન જોડ્યા હતા અને મજબૂત શરૂઆત અપાવી હતી. નિશામે ૧૧ બોલમાં ૩૪ રનની અણનમ ઈનિંગ રમી હતી તેમજ કેપ્ટન પુરનના બોલ પર વિજયી છગ્ગો ફટકાર્યો હતો. કિવીઝ ટીમે ૧૭ બોલ બાકી હતા ત્યારે જીત મેળવી લીધી હતી. હોલ્ડર અને કારિઆહે બે-બે વિકેટ તથા જોસેફે એક વિકેટ મેળવી હતી.
મિચેલ સેન્ટર ૫૧ રન તેમજ ચાર વિકેટ સાથે પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. વિન્ડિઝના ઓપનર કાઈલ માયર્સે વિસ્ફોટક ઈનિંગ રમતા ૧૦૫ રન ફટકાર્યા હતા. કેપ્ટન નિકોલસ પુરને ૯૧ રન કર્યા હતા અને નવ રનથી સદી ચૂક્યો હતો. શાઈ હોપે ૫૧ રન સાથે અડધી સદી કરી હતી. ટોચના બેટ્સેમોને બાદ કરતા વિન્ડિઝના મધ્ય હરોળના બેટ્સમેનો તદ્દન ફ્લોપ રહ્યા હતા. ત્રણ વિકેટે ૧૮૧ રન કર્યા બાદ યજમાન ટીમનો ધબડકો જોવા મળ્યો હતો અને ૧૦૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બોલ્ટે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. સેન્ટરને બે તેમજ સાઉધી, ફર્ગ્યુસન અને નીશામે એક-એક સફળતા મેળવી હતી.