ઘર ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. જો તમે જે બિલ્ડર અથવા બિલ્ડર કંપની પાસે પોતાનું ઘર બૂક કરાવ્યું હોય અને બિલ્ડર અથવા કંપની ડૂબી જાય તો આ સ્થિતિમાં તમારા પૈસા નહીં ડૂબે. હાલમાં ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં કેન્દ્ર સરકાર ફેરફાર કરી રહી છે.
જે અંતર્ગત દેવાળું ફૂકી દેનાર બિલ્ડરીની સંપત્તિ જપ્ત કર્યા બાદ ઓક્શન કરવાથી જે કંઈ રકમ આવશે તેમાં બિલ્ડરે જેમને હજુ સુધી ફ્લેટ આપ્યા નથી તેવા ગ્રાહકને પણ ભાગ મળશે. નાણાં વિભાગના સૂત્રોએ કહ્યું કે, ‘કમિટિનો પ્રસ્તાવ છે કે જો બિલ્ડર દેવાળું ફૂંકી દે તેવી સ્થિતિમાં ગ્રાહકને એકલો મૂકી દેવામાં આવે તો તેના પૈસા પણ જાય છે અને ઘર પણ મળતું નથી આ માટે નિયત રમક મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી રહી છે.’ ઉલ્લેખનીય છે કે હાલના કાયદા મુજબ જો બિલ્ડર દેવાળું ફૂંકી દે તો તેની તમામ સંપત્તિ પર પહેલો અધિકાર બેંકનો છે જેની પાસેથી બિલ્ડરે લોન લીધી હોય.
કમિટી દ્વારા આપવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકને બિલ્ડરની સંપત્તિના ઓક્શન બાદ કેટલા ટકા રકમ મળશે તે નક્કી કરવા માટે અનેક ધારાધોરણ નક્કી કરવામાં આવી શકે છે. સૌથી પહેલા તો એ જોવામાં આવશે કે બિલ્ડરના કેટલા પૈસા ચૂકવવાના બાકી છે. કેટલા ઘર ખરીદનારાઓને પઝેશન નથી મળ્યું. જેના આધારે નક્કી કરવામાં આવશે કે ઘર ખરીદનારને કેટલો ભાગ મળશે. આ માટે પહેલા બેંક્સ અને અન્ય નિષ્ણાંતો સાથે નક્કી કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાઈ શકે છે.
કમિટીએ પોતાના અહેવાલમાં કહ્યું કે, ‘એવા અનેક કેસ સામે આવ્યા છે કે બિલ્ડરે કોઈ સોસયટીની સ્કીમ બનાવવા માટે લોન મેળવી હોય પરંતુ આ રુપિયાને તેણે બીજે ક્યાંક રોકી દીધા હોય. આ કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મોડું થાય છે અને બિલ્ડર પાસે લિક્વિડીટી ઓછી થવાથી પ્રોજેક્ટનું કામ ધીમું પડે છે અને જેતી ઘર ખરીદનારાને ઘરના પઝેશન માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.’
સરકારે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ અંતર્ગત આવા કિસ્સાને નિપટાવવા માટે ત્રણ માપદંડ આપ્યા છે. પહેલા તબક્કામાં કંપની કે બિલ્ડર સાથે વાત કરવામાં આવશે અને શક્ય હોય તો સમસ્યાના ઉકેલ માટે નિશ્ચત સમય આપવામાં આવશે. જો કંપની આ માટે તૈયાર ન હોય અથવા નિશ્ચિત સમય મર્યાદામાં વાયદા મુજબ કામ ન કરે તો તેની સંપત્તિ અટેચ કરવામાં આવશે. અને જો ત્યારબાદ કંપની દેવાળું ફૂંકી દે તો તેની બધી જ સંપત્તિને જપ્ત કરવામાં આવશે.