ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થોડાક માટે સત્તાથી વિખૂટી રહેલી કોંગ્રેસે આમૂલ ફેરફાર કરી સંગઠનને મજબૂત કરવાની દિશામાં પ્રયત્નો કર્યાં છે જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખથી શરૂઆત કરાઇ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીનુ રાજીનામુ સ્વિકારી હાઇકમાન્ડે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસનુ સુકાન સોંપ્યુ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે અમિત ચાવડાની નિયુક્તિ કરીને રાહુલ ગાંધીએ માત્ર હોદ્દા ભોગવતા સિનિયર નેતાઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. હવે સંગઠનમાં નવા પ્રાણ પૂરવા યુવા નેતા-ધારાસભ્ય અમિત ચાવડાને તક આપવામાં આવી છે. સિનિયર નેતા પૂજાભાઇ વંશ,કુંવરજી બાવળિયા,જગદીશ ઠાકોર,અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ પ્રદેશ પ્રમુખપદની લાઇનમાં હતા તેમ છતાંય હાઇકમાન્ડે યુવા નેતા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સંગઠનને મજબૂતી આપવા હાઇકમાન્ડના ભરોસા પર નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ કેટલા ખરાં ઉતરે છે તે તો સમય જ કહેશે. નવા વરાયેલાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની નિયુક્તિને પગલે કોંગ્રેસમાં ખાસ કરીને યુવા કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઇ છે. અમિત ચાવડાએ પણ સંગઠનમાં યુવાઓને તક આપવાની ખાતરી ઉચ્ચારી છે.
આ ઉપરાંત સિનિયર નેતા-યુવાઓના સમન્વયથી સંગઠનમાં નવો જોમ પુરવા શક્ય પ્રયત્ન કરવા દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે.