દેશના પંદરમા રાષ્ટ્રપતિ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ કે વિપક્ષના યશવંત સિંહા બનશે તેનો ર્નિણય ૧૮ જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં લેવાશે. આ ચૂંટણીમાં કુલ ૭૬૮ સાંસદ અને ૩,૯૯૧ ધારાસભ્યો મતદાન કરશે. આ તમામ ૪,૭૫૯ લોકપ્રતિનિધિઓના ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ કરતાં સામે આવ્યું છે કે ૨,૦૩૦ (૪૩ ટકા) સાંસદો/ધારાસભ્યો સામે ગુનાઓ દાખલ થયેલા છે. તે પૈકી ૧,૩૧૬ (૨૮ ટકા) સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના રિપોર્ટ મુજબ ચૂંટણીનો હિસ્સો બનનાર ગુજરાતના ૪૫ (૨૬ ટકા) સાંસદો/ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસો છે જ્યારે ૨૯ (૧૭ ટકા) સામે ગંભીર ક્રિમિનલ કેસો નોંધાયેલા છે.
રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર ૪૭૭ (૧૦ ટકા) છે. ૬૧ સાંસદ/ધારાસભ્યોએ સામે હત્યાના કેસ નોંધાયેલા છે, જેમાં ૧૦ લોકસભાના સાંસદ અને ૨ રાજ્યસભાના સાંસદ છે. વિવિધ રાજ્યના ૪૯ એમએલએ સામે પણ હત્યાના કેસો નોંધાયેલા છે. ૨૨૩ લોકપ્રતિનિધિઓ એવા છે જેમની સામે હત્યાના પ્રયાસના પણ ગુના નોંધાયેલા છે. ૪,૭૫૯ સાંસદો/એમએલએ પૈકી ૩,૮૪૩ (૮૧%) એવા છે જેમણે ચૂંટણીપંચને રજૂ કરેલા સોગંદનામામાં પોતે કરોડપતિ હોવાનું જણાવ્યું છે. લોકસભાના ૫૪૩ સાંસદો પૈકી ૪૭૭ (૮૮%) સંસદસભ્યો કરોડપતિ છે. શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિપદ માટે ભાજપનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને ટેકો આપવાની ઘોષણા કરી હતી. ઉદ્ધવે કહ્યું હતું કે પક્ષ કરતાં દેશહિત મહત્ત્વનું છે એવું હું માનું છું. રાઉતે કહ્યું કે, જનભાવનાને ધ્યાનમાં રાખીને, શિવસેના દ્રૌપદી મુર્મુને સમર્થન આપીશું, પરંતુ તેનો અર્થ ભાજપની તરફેણ કરતા નથી.