આ વર્ષે ગુણોત્સવ આગામી ૬-૭ ઓપ્રિલ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રીએ આગામી ૬-૭ એપ્રિલ દરમિયાન રાજ્યમાં યોજાઇ રહેલા આઠમા ગુણોત્સવ મૂલ્યાંકનમાં જોડાનારા પદાધિકારીઓ, અધિકારીઓ અને કમર્યોગીઓને ગહન માર્ગદર્શન-ચિંતન આજે ગાંધીનગરમાં યોજાયેલી માર્ગદર્શક બેઠકમાં આપ્યું હતું.
તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષણનું સ્તર-કવોલિટી જેટલા ઉન્નત થશે તેટલી તીવ્ર ગતિથી રાજ્યની પ્રગતિ-વિકાસની યાત્રા પણ આગળ વધશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુણોત્સવના આ વર્ષના અભિયાનમાં અધિકારી, પદાધિકારીઓ જે ગામની શાળાના મૂલ્યાંકન માટે જાય ત્યાં ગામના અગ્રણીઓ-નાગરિકોને પણ મળીને પાણી, રસ્તા, આરોગ્ય જેવી માળખાકીય અને પાયાની સુવિધાઓની પણ વિગતો મેળવી ગુણોત્સવને સંવેદનાસ્પર્શી બનાવે.
સરકારી શાળાઓમાં ગરીબ-સેવાવસ્તી-શ્રમજીવી પરિવારોના બાળકો વિશેષ પ્રમાણમાં અભ્યાસ માટે આવતા હોય છે ત્યારે તેમનો અભ્યાસ અને સમગ્રતયા જીવન ધોરણ વ્યાપક સ્તરે સુધરે તેવું આપણા સૌનું દાયિત્વ હોવું જોઇએ, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.
તેમણે કહ્યું કે, શાળાઓમાં ગુણોત્સવના એ.બી.સી. ગ્રેડ અપાય છે તેમાં ખાસ કરીને નબળી શાળાઓને ફોકસ કરવાની આવશ્યકતા છે.