રેસિડેન્ટની સુવિધા સિવાયની હોટેલ અને રેસ્ટોરાંને પોલીસ પાસેથી લાયસન્સ લેવાની જફામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયે આજે નિર્ણય લીધો છે. આજે વિધાનસભામાં આ નિર્ણયની જાહેરાત ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.
ગુજરાત સરકારના આ નિર્ણયથી રાજ્યની ૬૦૦૦૦ જેટલી રેસ્ટોરાં અને હોટેલના માલિકોએ રાહતનો દમ લીધો છે. ખાણી પીણીનો જ ધંધો કરનારાઓને પોલીસ લાઈસન્સ લેવાની ફરજ પાડવામાં આવતી હોવાથી પોલીસ તરફથી તેમના પર બિનજરૂરી આર્થિક વ્યવહાર કરવા માટે દબાણ લાવવામાં આવતું હોવાની ફરિયાદ હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગની હતી.
આ ફરિયાદ અંગે ગુજરાત ચેમ્બરે રજૂઆત કરી હતી. પરિણામે આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેમાં રહેવાની સુવિધા ધરાવતી રેસ્ટોરાંનો સમાવેશ કરવામાં આવ્યો નથી. રેસ્ટોરાં અને હોટેલ માલિકોને આ જફામાંથી મુક્તિ આપવા માટે ગુજરાત પોલીસ (સુધારા) વિધેયક ૨૦૧૮ ગૃહમાં રજૂ કરતાં ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ (૧)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ રેસ્ટોરાંનો વ્યવસાય શરૂ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તો પોલીસ કમિશનર પાસેથી લાઈસન્સ લેવાની અને સમયાંતરે તે રિન્યુ કરવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવેલી હતી.