બાલાસિનોર થી ૧૨ કી.મીના અંતરે આવેલા ડાયનોસોર પાર્ક ખાતે ડાયનોસોરના મૃત્યુ બાદ કઈ કઈ પ્રજાતિઓ રહેવાસ કરતી હતી સાથે તેના અવશેષોનું સંપૂર્ણ માહિતી આપતું મ્યુઝિયમ ફેઝ-૨માં તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રૈયોલીના ડાયનાસોર મ્યુઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ મેળવી છે. તેમણે કહ્યું કે ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી વિશ્વને જોવા મળવાની છે. મહીસાગર જિલ્લો તેના અદભુત કુદરતી સૌંદર્ય ને કારણે પ્રવાસન ક્ષેત્રના વિકાસની અનેક સંભાવનાઓ ધરાવે છે. રાજ્ય સરકારે પ્રવાસન દ્વારા સ્થાનિકોને રોજગારી મળે જિલ્લાની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળે તેવા હેતુથી મહીસાગર ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાનું આયોજન હાથ ધર્યું છે. તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આગામી ત્રણ વર્ષમાં કડાણા એરિયા ડેવલપમેન્ટ, સ્વરૂપ સાગર લેક ડેવલપમેન્ટ, કલેશ્વરી ડેવલપમેન્ટ, કેદારેશ્વર ધામોદ ડેવલપમેન્ટ, માનગઢ હિલ ડેવલપમેન્ટ તેમજ ગલતેશ્વર ડેવલપમેન્ટ, ડાકોર ડેવલપમેન્ટ જેવા અનેક કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાયનોસોર મ્યુઝિયમ ફેસ-૨ના લોકાર્પણ બાદ સભાનો કાર્યક્રમ હતો. પરંતુ સ્થાનિક પ્રજા એ આવવાનું ટાળતા નાછુટકે આસપાસની શાળામાંથી વિદ્યાર્થીઓને બોલાવી સભા મંડપ ભરવામાં આવ્યો હતો. સભા મંડપમાં ૬૦ ટકા જેટલા વિદ્યાર્થીઓથી અને હોદા ધરાવતા ભાજપના અગ્રણીઓ જોવા મળ્યા હતા. ડાયનોસોર મ્યુઝિયમ ફેસ-૨ના લોકાર્પણમાં આવેલા રાજ્યકક્ષાના મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પોતાના પ્રવચનમાં એક વાર નહીં પરંતુ ત્રણ વાર ફેસ-૨ના બદલે ફેસ-૩ના લોકાર્પણની વાત કરતા કાર્યક્રમમાં રમુજ છવાઈ હતી. કોઈ બહારના નેતાએ ભૂલ કરી હોત તો સહજ ગણાત પરંતુ સ્થાનિક નેતાએ ભાંગરો વાટતાં અચરજ થઈ હતી. રૈયોલી ગ્રામ પંચાયતના સભ્યોએ પાસ વગર વીઆઈપી ગેટથી સભા મંડપમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે એન્ટ્રી નહીં આપતા તૂ..તૂ..મેં..મે..થઈ હતી. ત્યારે ભાજપના અગ્રણીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. ઘર આંગણે કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનો સાથે કરાયેલા વર્તનથી રોષ ફેલાયો હતો.
બાલાસિનોર તાલુકામાં આવેલા વિશ્વના ત્રીજા અને ભારતના પ્રથમ ડાયનાસોર પાર્ક ખાતે ડાયનોસોર મ્યુઝિયમ ફેસ-૨ ૨૨ કરોડની માતબર રકમના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ બાદ સભા સંબોધતા આ ડાયનોસોર ફોસિલ પાર્ક વિશ્વમાં ગુજરાતની ધરતીના ગૌરવને વધુ એક ઝાંખી અપાવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.