ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ઓપિયન, હેરોઇન અને કેનેબીઝ જેવા નાર્કોટિક ડ્રગ પકડાવાની ઘટનામાં ઉત્તરોતર વધારો થયો છે. તેમાં ૨૦૧૭માં સૌથી વધુ ૩.૬ લાખ કિલોગ્રામ નાર્કોટિક્સ જપ્ત થયા હતા. તેમ તાજેતરના એનસીબી રિપોર્ટમાં જણાવાયું હતું.
૨૦૧૭માં ૨૫૫૧ કિલો ઓપિયમ, ૨૧૪૬ કિલો હેરોઇન, ૩,૫૨,૩૭૯ કિલો ગાંજો, ૩૨૧૮ કિલો હશિશ અને ૬૯ કિલો કોકેઇન મોટેભાગે આફ્રિકન દાણચોરો મારફત દેશમાં ઘૂસાડવામાં આવ્યું હતું. ૨૦૧૩ પછીનો આ સૌથી મોટો જથ્થો હતો. ૨૦૧૬માં ૩.૦૧ લાખ, ૨૦૧૫માં એક લાખ અને ૨૦૧૪માં ૧.૧ લાખ કિલો નાર્કોટિક્સ પકડાયું હતું તેમ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ જણાવ્યું હતું.
અગર રાજ્યવારની સ્થિતિ તપાસીએ તો સૌથી વધુ પંજાબમાંથી ૫૦૫.૮૬ કિલો, રાજસ્થાનમાંથી ૪૨૬.૯૫ કિલો અને ગુજરાતમાંથી સૌથી વધુ હેરોઇન ૧૦૧૭ કિલો પકડાયું હતું. આંધ્રપ્રદેશમાંથી સૌથી વધુ ૭૮૭૬૭ કિલો અને ઓડિસામાંથી ૫૫૮૭૫ કિલો ગાંજો પકડાયો હતો. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ હશિશ ૭૦૨ કિલો અને મધ્યપ્રદેશમાંથી ૬૨૫ કિલો પકડાયું હતું.
પાટનગર દિલ્હીમાંથી સૌથી વધુ ૩૦ કિલો કોકટેલ પકડાયું હતું. નાર્કોટિક દ્રવ્યોની સૌથી વધુ હેરાફેરી પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની સરહદેથી થાય છે. કાશ્મીરમાંથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને ગુજરાતમાં ચરસ ઘુસાડાય છે.