ભારતના ઘઉંની નિકાસ પર પ્રતિબંધના કારણે અમેરિકા સહિતના યુરોપીય દેશો તણાવમાં છે. એક અહેવાલ મુજબ વિશ્વમાં ઘઉંના પુરવઠાનો માત્ર ૧૦ અઠવાડિયાનો સ્ટોક બાકી છે. ખરેખર, રશિયા અને યુક્રેન વિશ્વના ઘઉંનો એક ક્વાર્ટર સપ્લાય કરે છે અને પશ્ચિમી દેશોને ડર છે કે, પુતિન ઘઉંનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
રશિયામાં આ વર્ષે ઘઉંનો પાક સારો રહ્યો છે અને પુતિન તેને નિયંત્રિત કરી શકે છે. તે જ સમયે, ખરાબ હવામાનને કારણે, યુરોપ અને અમેરિકામાં ઘઉંના પાકને નુકસાન થયું છે. પુતિન યુક્રેનમાં કૃષિ ઉપકરણો નષ્ટ કરીને ત્યાંના ઘઉં સગેવગે પણ કરી રહ્યા છે, એવો ડર આ દેશોને છે. દુનિયાની ઘઉંની સપ્લાય ચેન આ પરિસ્થિતિમાં ખોરવાઈ શકે છે.
આ સંજોગોમાં ભારતે ઘઉંની નિકાસ પર મુકેલા નિયંત્રણોથી હાલત બગડી છે ત્યારે ક્વાડ બેઠકમાં અમેરિકન પ્રમુખ બાઈડન ભારતના પીએમ મોદીને ઘઉંની નિકાસ માટે અનુરોધ કરે તેવી શક્યતા છે.યુક્રેન પર રશિયાના હુમલાને પગલે વિશ્વમાં ખાદ્ય સંકટ વધુ ઘેરી બની રહ્યું છે. યુનાઈટેડ નેશન્સે ચેતવણી આપી છે કે દુનિયા પાસે માત્ર ૭૦ દિવસનો ઘઉંનો જથ્થો છે. ૨૦૦૮ પછી પ્રથમ વખત વિશ્વમાં ઘઉંનો જથ્થો આટલા નીચા સ્તરે છે. આ પ્રકારની કટોકટી પેઢીમાં માત્ર એક જ વાર આવે છે. વિશ્વની નજર હવે જાપાનમાં યોજાનારી ક્વોડ દેશોની બેઠક પર છે, જેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ર્નિણયના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.