મુસ્લિમ સંગઠન AIMPLB ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડની બેઠકમાં એવો ર્નિણય લેવાયો છે કે આ તમામ મામલા હાલ કોર્ટમાં હોવાના કારણે બોર્ડની લિગલ સમિતિ મુસ્લિમ પક્ષને કેસ લડવા માટે શક્ય તમામ મદદ કરશે. આ બેઠકમાં એવો પણ ર્નિણય લેવાયો કે ૧૯૯૧ના વર્શિપ એક્ટ પર બોર્ડની ટીમ કેન્દ્ર સરકાર અને વિભિન્ન રાજકીય પક્ષોના સ્ટેન્ડ પણ જાણશે.
અત્રે જણાવવાનું કે આ વર્શિપ એક્ટ તે વખતે તત્કાલિન પ્રધાનમંત્રી પી વી નરસિમ્હા રાવની સરકારે ૧૯૯૧માં લાગૂ કર્યો હતો. આ કાયદા મુજબ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અગાઉ અસ્તિત્વમાં રહેલ કોઈ પણ પૂજા સ્થળ કે ધર્માંતરણ કે ધાર્મિક દ્રષ્ટિકોણને બદલવા પર રોક છે. આમ કરવાનો પ્રયત્ન કરનારને એક વર્ષથી લઈને ત્રણ વર્ષ વચ્ચે કેદ અને દંડની જાેગવાઈ છે. મુસ્લિમ બોર્ડની આ બેઠકમાં મીડિયા પર એવો પણ આરોપ લગાવાયો કે કેસ સંલગ્ન વાતો અડધી પડધી રજૂ કરાઈ રહી છે.
આવી સ્થિતિમાં મુસ્લિમ પક્ષની રજૂઆત લોકો સુધી પહોંચાડવા માટે પેમ્ફલેટ અને પુસ્તકો પણ છપાવવામાં આવશે. જેમાં તથ્યો સાથે લોકોને સમગ્ર વિવાદ વિશે જણાવવામાં આવશે. આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. જેમાં જ્ઞાનવાપી સાથે જ મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ, ટીપુ સુલ્તાન મસ્જિદ સહિત દેશની અન્ય મસ્જિદો પર થઈ રહેલા દાવા પર ચિંતા વ્યક્ત કરાઈ. બેઠકમાં બોર્ડ મેમ્બર્સે એવો પણ ર્નિણય લીધો કે મસ્જિદોને બચાવવા માટે એકજૂથ થઈને લડીશું. આ બેઠકમાં ૪૫ સભ્યો ઓનલાઈન જાેડાયા હતા.
બધાએ પોતાની રીતે રજૂઆત કરી અને કહ્યું કે અયોધ્યા બાદ હવે એક વધુ કાશી નહીં થવા દેવાય. આ માટે અંત સુધી લડીશું. સુપ્રીમ કોર્ટે વારાણસી પ્રશાસનને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના શિવલિંગ મળ્યાનો દાવો થયો તે જગ્યાને સીલ કરવાનો આદેશ આપ્યો પરંતુ કોર્ટે એ પણ સાથે સાથે સ્પષ્ટ કર્યું કે કોઈને નમાજ પઢતા રોકવા નહીં. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને પી એસ નરસિંહે કહ્યું કે જે વિસ્તારમાંથી શિવલિંગ મળી આવ્યું છે તેની રક્ષા કરવી જાેઈએ.
જાે કે મુસ્લિમોને મસ્જિદમાં નમાજ કે ધાર્મિક અનુષ્ઠાન કરવા માટે પ્રવેશ પર પ્રતિબંધ ન હોવો જાેઈએ. આ મામલે સુપ્રીમમાં આગામી સુનાવણી ૧૯મી મેના રોજ થશે. ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી આ મામલે આક્રમક પ્રહારો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આશા છે કે સુપ્રીમ કોર્ટ આગામી સુનવણીમાં નીચલી કોર્ટના સરવેના આદેશ પર સંપૂર્ણ રીતે રોક લગાવીને ન્યાય કરશે.
વારાણસીના કાશિ વિશ્વનાથ મંદિર મુદ્દે માહોલ ગરમાયો છે. મંદિર પરિસરમાં બનેલી જ્ઞાનવાપી મસ્જિદના સરવે દરમિયાન વજુખાનામાંથી શિવલિંગ મળ્યાના દાવા બાદ એકબાજુ જ્યાં હિન્દુ પક્ષ ખુશખુશાલ છે ત્યાં મુસ્લિમ પક્ષ હવે આ મુદ્દે કાયદાકીય લડતના દાવપેચ શોધી રહ્યો છે. દેશમાં મુસલમાનોના સૌથી મોટા સંગઠન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ એ ગઈ કાલે સાંજે આ મામલે પોતાની કાર્યકારિણીની એક વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું અને સમગ્ર મામલે વિચાર કરીને એક નવી રણનીતિ બનાવી.