હિન્દુ દેવી-દેવતાઓના અપમાન કર્યાની ફરિયાદ નોંધાઈ
વડોદરાની એમ.એમ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે ત્રણ દિવસ પહેલાં એન્યુઅલ શોમાં દરમિયાન સ્કલ્પચર વિભાગમાં અભ્યાસ કરતા કુંદન યાદવ નામના વિદ્યાર્થીએ તેના આર્ટવર્ક મૂક્યા હતા. જેમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો અખબારોના પાનાઓમાંથી કટિંગ કરીને બનાવવામાં આવ્યા હતા.
આ ચિત્રોમાં અખબારના પાનાંઓ હતા. તેમાં વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસ સહિતના દુષ્કર્મના સમાચારોના પેપર કટિંગનો ઉપયોગ થયો હતો. સાથે અશોકચક્રનું પણ અપમાન થતું હોવાનું જાેવા મળ્યું હતું. જેથી હિન્દુ સંગઠનો સહિતના લોકોની લાગણી દુભાઇ હતી અને ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે આર્ટ શો બંધ કરાવી દેવામાં આવ્યો હતો.
તેમજ ફેકલ્ટીના ડીનને પદેથી હટાવવા અને આર્ટ વર્ક બનાવનાર વિદ્યાર્થીને રસ્ટિકેટ કરવા માટે માંગણી કરવામાં આવી તેમજ ત્યાં ઘર્ષણ સર્જાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ સહિત ૩૧ સામે ગુનો દાખલ થયો અને પોલીસને થપ્પડ મારવા મામલે પણ બે લોકો સામે ગુનો નોંધાયો હતો.
એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જયવિરસિંહ લોકેન્દ્રસિંહ રાઉલજીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત ૭ મેના રોજ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે અલગ-અલગ ચિત્રો (આર્ટ) તૈયાર કરી બતાવવાના હોય તેની તૈયારી કરી હતી.
આ તૈયારી દરમિયાન મારા મોબાઇલ પર એપ્લિકેશનમાં દેવી દેવતાઓના ફોટાના આકૃતિવાળા કટીંગ કરેલ ચિત્રો આવ્યા હતા. જે ચિત્રો સંબંધમાં તપાસ કરતા વિવિધ સમાચાર પત્રોમાં પ્રસિદ્ઘ થયેલા બળાત્કારના બનાવોના સમાચારોના કટિંગવાળા વર્તમાનપત્રોના કાગળો દ્વારા દેવી દેવતાઓની આકૃતિ બનાવી હતી. આ ફોટા એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક હોલમાં લગાડેલા હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી જયવિરસિંહ ફાઇન આર્ટસ ફેકલ્ટી ગયો હતો. જ્યાં તેને કોલેજના નિશીત વરીયા, આદીત બરેલીવાલા, રૂસિક મકવાણા, જતીન વસાવા, સિદ્ઘાર્થ પટેલ, વ્રજ ભટ્ટ અને સંકતે નેપાળી તેમજ મિહીર રાઠવાને આ અંગે વાત કરી હતી. તેથી આ અંગે તેઓ બધા તપાસ કરવા ગયા ત્યારે હોલમાંથી આ આર્ટવર્ક હટાવી દીધા હતા.
જેથી હિન્દુ દેવી દેવતાઓના આવા ફોટો એક્ઝિબિશનમાં નહીં મૂકવા ફેકલ્ટીના ડીન જયરામ પોન્ડુવાલાને રજૂઆત કરી હતી. પરંતુ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીને આ વાતને હસી મજાકમાં કાઢી નાખી હતી. જેથી આ અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવને રજૂઆત કરી હતી અને તેમણે તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવા કહ્યું હતું.
વાઇસ ચાન્સેલરે યુનિવર્સિટી તરફથી પણ પોલીસને યોગ્ય તપાસ કરવા અરજી આપી છે જેની તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું. આ દરમિયાન વિવાદાસ્પદ આર્ટવર્ક બનવાર કુંદન યાદવ સાથે જયવીરસિંહે મુલાકાત કરી હતી. તેમજ તેને અશોકસ્તંભ નીચે અશ્લીલ ચિત્રો ફરી ન બનાવવા કહ્યું હતું.
તો સામે કુંદન યાદવે આવા ફોટા પોતે બનાવેલા હોવાનું કબુલ્યું હતું. તેમજ ફરીવાર પણ આવા ફોટા બનાવશે તેમ જણાવ્યું હતું. જેથી લાગણી દુભાય તેવા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો બનાવવા બદલ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કુંદન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે કુંદન યાદવ સામે કલમ ૨૯૫છ અને ૨૯૮ હેઠળ ગુનો દાખલ કર્યો છે.