ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના આંટાફેર વધ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયાં છે.
વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ અમદાવાદ આવ્યાં હતાં અને રોડ શો કરીને ઉજવણી કરી હતી. આ ઉપરાંત ૧૮થી ૨૦ એપ્રિલ સુધી પણ તેઓ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.
જ્યારે તેમના બાદ હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત આપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે.
ગુજરાતના સ્થાપના દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા, ત્યારે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી સમયમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી ૧૦મી મેના રોજ રાહુલ ગુજરાત આવશે અને દાહોદમાં યોજાનારા આદિવાસી સંમેલનને સંબોધશે.
એક-બે દિવસમાં સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાશે અગાઉ ૧લી મેના રોજ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના હતા. પરંતુ કોઈ કારણોસર તેમનો આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે ૧૦મી મેના રોજ તેઓ ગુજરાત પ્રવાસે આવશે. રાહુલ વડોદરા આવીને ત્યાંથી સીધા દાહોદ જશે.
હાલમાં કોંગ્રેસના નેતાના આ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આગામી એક-બે દિવસમાં તેમનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.