હિન્દુ ઘર્મમાં ભગવાનની આરાધના ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે. કથા, પુરાણોનું પઠન, ભગવાનની પૂજા દ્વારા ભક્તિ કરવામાં આવે છે. હિન્દુ ઘર્મમાં કોઇ પણ પૂજા કર્યા બાદ આરતી કરવામાં આવે છે. દરેક પૂજાનું સમાપન ભગવાનની આરતી સાથે જ થાય છે. શા માટે આરતી કરવામાં આવે છે તો ધાર્મિક દ્રષ્ટિકોણની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છે.
આરતી કરવાની રીત અને આરતી માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી એ સૌથી મહત્વની બાબત છે. આરતી કરતી વખતે યાચકના મનમાં શુદ્ધ ભાવ હોવો જોઇએ. ઘીને યાચકના આત્માની જ્યોતિ માને છે. દિવામાં પાંચ દિવેટ પ્રગટાવીને આરતી કરવામાં આવે છે.
આરતીની થાળીને ભગવાનની પ્રતિમાની સામે ઉપરથી નીચે ગોળ ફેરવવામાં આવે છે. જેનો આકાર ઓમ જેવો બને છે. આરતીને હાજર ભક્તસમૂહમાં ફેરવવામાં આવે છે અને બંને હાથ ઉંધા જોડીને યાચક આરતીના દિવા ઉપરથી હાથ ફેરવીને માથે ચડાવે છે.આ બાબત ઇશ્વર પ્રત્યે યાચકના પ્રેમ અને સમર્પણની ભાવના દર્શાવે છે.
આરતીની થાળી ચાંદી, સોના કે પિત્તળની હોય છે. અને દિવો ધાતુ, ભીની માટી અથવા ગુંથેલા લોટનો હોય છે. જેમાં ત્રણ કે પાંચ દિવેટ દ્રારા આરતી કરવામાં આવે છે. સામાન્ય રીતે પાંચ દિવેટ દ્રારા જ આરતી કરવામાં આવતી હોય છે. આરતીમાં કપૂર પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જે સુવાસ ફેલાવવાનું પ્રતિક છે. આરતીમાં પાણી ભરેલો કળશ હોય છે કારણકે તાંબામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. ચરણામૃત પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
આરતી કરવાથી ઘરમાં હકારાત્મકતાના કિરણો ચોતરફ ફેલાય છે માટે હિન્દુ ધર્મમાં પૂજા કર્યા બાદ ભગવાનની આરતી કરવામાં આવે છે.