કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારાઓમાં કોવીડ-19ના ચેપ બાદ સાજા થયા હોય તેવા દર્દીઓમાં તીવ્ર અસ્વિકારના લગભગ નજીવા દર સાથે મૃત્યુદરની શક્યતા ઘણી નજીવી દર્શાવી છે. એમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ના ડૉક્ટરોએ કરેલા અભ્યાસમાં તારણ બહાર આવ્યું છે અને આ અભ્યાસ સોમવારે પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ઇક્લિનીક મેડિસીન બાય ધ લાન્સેટે તેના જર્નલના ફ્રન્ટ કવર પર પ્રકાશિત કર્યો છે.
‘’મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ એન્ડ આઉટકમ્સ ઇન રિનલ ટ્રાન્સપ્લાન્ટ રિસિપન્ટ્સ રિકવરિંગ ફ્રોમ કોવીડ-19: એ રિટ્રોસ્પેક્ટિવ, મલ્ટિ-સેન્ટર, કોહોર્ટ સ્ટડી’’ એવા મથાળા સાથે આ પ્રતિષ્ઠિત જર્નલના ફ્રન્ટ કવર પર આ અહેવાલને સ્થાન આપવામાં આવ્યું છે. આ અભ્યાસે એવું જાહેર કર્યું છે કે કોરોનાના અસરગ્રસ્ત દર્દોઓ સાજા થયા બાદ કરવામાં આવેલા પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે કિડનીના આ પ્રકારના દર્દીઓની જીવનશૈલીમાં કોઈ ફરક પડતો નથી, ટેક્રોલિમસ (ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ્સ)ના સ્તરમાં, બ્લડ કાઉન્ટમાં અને ક્રિએટિનાઇનનું સ્તર પણ યોગ્ય રહ્યું છે.
ડૉ. વિનીત મિશ્રા (ડાયરેક્ટર આઇકેડીઆરસીના માર્ગદર્શન હેઠળ તથા અન્ય તબીબોએ હાથ ધરેલા અભ્યાસમાં એવું તારણ નીકળ્યું હતું કે કોવીડ પછીના કિડની ટ્રાન્સપ્લાન્ટમાં રિકવરી શાનદાર હોય છે અને કોવીડના દર્દીમાં ફોલોઅપ દરમિયાન કોવીડ ચેપના કોઈ ચિહ્નો જણાચા નથી.
કોવીડ-19ના પ્રથમ, બીજી અને ઓમિક્રોન લહેર બાદ દર્દીઓ તથા તબીબો દ્વારા પણ સાજા થયેલા કોવીડના દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે કે નહીં તે અંગે ઘણી તપાસ કરવામાં આવી હતી અને ચિંતા પણ વ્યક્ત કરાતી હતી.
“અમારા અભ્યાસે શોધી કાઢ્યું છે કે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ કોઈ પણ ડર રાખ્યા વિના ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે, અલબત્ત તેમણે સારા પરિણામ માટે સુરક્ષાના તમામ માપદંડોને અનુસરવા જરૂરી હોય છે.” તેમ આ અભ્યાસના વડા ડૉ. વિનીત મિશ્રાએ સોમવારે તેમના નિવેદનમાં જણાવ્યું હતું. આ અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું હતું કે કોવીડ-19 કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દી માટે ઇન્ડક્શન કે ઇમ્યુનોસપ્રેશનની પણ કોઈ જરૂરિયાત નથી.
‘ઇક્લિનીકલ મેડિસીન બાય ધ લાન્સેટ’ એ એક એવું જાહેર ક્લિનિકલ જર્નલ છે જે ફ્રન્ટલાઈન હેલ્થ પ્રોફેશનલ્સને વિશ્વભરના સમાજ જેનો સામનો કરે છે તે જટિલ અને ઝડપી સ્વાસ્થ્ય સંક્રમણોને નેવિગેટ કરવામાં મદદ કરવા માટે મૂળ સંશોધન પ્રકાશિત કરે છે.
આ મલ્ટિ સેન્ટર અભ્યાસ જૂન 2020થી ડિસેમ્બર 2021 દરમિયાન ભારતના 23 ટ્રાન્સપ્લાન્ટ કેન્દ્ર ખાતે કોવીડમાંથી સાજા થયેલા 372 કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓના ક્લિનિકલ ડેટાના પૃથક્કરણ કર્યા બાદ તેના તારણ જારી કરાયા હતા.
આ અભ્યાસમાં કેટલાક વધારાના માપદંડો પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું જેમાં ગ્રાફ્ટ લોસ, મૃત્યદર, આરટી-પીસીઆર ટેસ્ટના રિપોર્ટમાં લાગતો સમયથી માંડીને કિડની ટ્રાન્સપ્લાન્ટ, લેબોરેટરીના માપદંડો અને ફોલોઅપમાં જીવન ધોરણની ગુણવત્તા તમામનો સમાવેશ થતો હતો તેમ સોમવારે જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
આ અભ્યાસના વડા ડૉ. મિશ્રાએ જણાવ્યું હતું કે “ભારતમાં 23 ટ્રાન્સપ્લાન્ટ કેન્દ્રો ખાતે કોવીડ-19ના દર્દીઓનો ભૂતકાળનો ઇતિહાસ (365 હયાત તથા સાત ડોનર ટ્રાન્સપ્લાન્ટ) અભ્યાસ કર્યા બાદ તેના તારણો ટ્રાન્સપ્લાન્ટ પ્રોફેશનલ્સને ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓની સારવારમાં મદદરૂપ બનશે.”
ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટેશનની વૈશ્વિક નિરિક્ષણ કરતી વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા મુજબ ભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારાની સંખ્યા 2013માં 4990 હતી જે 2019માં વધીને 12666 ઉપર પહોંચી ગઈ છે. આ જ રીતે અંગ દાન કરનારાઓના આંકમાં પણ બમણો વધારો થયો છે જે 2013માં 340 હતો અને 2019માં વધીને 715 ઉપર પહોંચી ગયો છે તેમ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું.
હાલમાં ટ્રાન્સપ્લાન્ટેશન પ્રવૃત્તિમાં ભારત વિશ્વમાં અમેરિકા અને ચીન બાદ ત્રીજા ક્રમે છે. કોરોના વાયરસને કારણે અંગ દાન પર નકારાત્મક અસર પડી છે. જેને કારણે ભારતમાં ટ્રાન્સપ્લાન્ટેશનનો દર ઘટ્યો છે જે 2019માં 12666 હતો તે 2020માં 7443 થઈ ગયો હતો. 2021ની પહેલી ડિસેમ્બર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના દર્દીઓમાં ભારત બીજા ક્રમે હતું. આ સમયગાળામાં શરીરના અંગોના દાન માટે રાહ જોનારા દર્દીઓના આંક પર પણ માઠી અસર પડી હતી. મહામારી દરમિયાન લોજિસ્ટિક તથા બદલાયેલી પ્રાથમિકતાને કારણે સમગ્ર વિશ્વમાં ટ્રાન્સપ્લાન્ટેશનના દરમાં ઘટાડો નોંધાયો હતો.