વડોદરા
પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં લગાવાઈ રહેલા કેમેરાને સીવીવીઆરએસ એટલે કે, ક્રુવોઇસ એન્ડ વીડિયો રેકાર્ડિંગ સિસ્ટમના નામથી ઓળખાશે. એન્જિનમાં ૮-૮ કેમેરા લાગશે. દરેક એન્જિનમાં બે કેબીન હોય છે, જેમાં બે-બે કેમેરા કેબીનમાં, જ્યારે એક-એક બહારની બાજુ ફલેશર લાઈટ પાસે લગાવાઈ રહ્યા છે. તો એન્જિનની છત પર બે કેમેરા લગાવામાં આવી રહ્યા છે. કેબીનમાં લાગેલા કેમેરા લોકોપાયલટની ગતિવિધિ અને અવાજ રેકોર્ડ કરશે. બહારના કેમેરો સિગ્નલ, ઓએચઇ અને અન્ય પરિસ્થિતિ રેકોર્ડ કરશે. કેમેરા લગાવાનો આશય સિગ્નલમાં ગરબડ, ઓવરહેડ તૂટવા કે અન્ય અકસ્માતની સ્થિતિ પહેલેથી જાણી લેવાનો છે. આ રીતે ડ્રાઇવરના કેબીનમાં લાગેલા કેમેરામાં ટ્રેનના સફર વેળા ડ્રાઇવર અને સહાયક ડ્રાઇવરની સ્ટેશન કંટ્રોલથી થનારી વાતની વિગતો પણ મળશે. તે ઉપરાંત ડ્રાઇવર અને સહાયક ડ્રાઇવરની તમામ ગતિવિધિ પર પણ નજર રાખી શકશે. એક એન્જિનમાં કેમેરા લગાડવાનો ખર્ચ રૂપિયા ૧,૦૪,૩૩૮ છે. કેમેરાની સ્ટોરેજ ક્ષમતા ૨ ટેરાબાઈટ છે અને ફૂટેજ ૯૦ દિવસ સુધી સેવ કરી શકાશે. વડોદરા લોકોશેડમાં પ્રાથમિક તબક્કે ૧૮ એન્જિનમાં કેમેરા લગાવાયા છે. જેનો અત્યારે રિવ્યુ કરવામાં આવી રહ્યો છે. જે સફળ ગયા બાદ વડોદરા ડિવિઝનના ૧૮૭ એન્જીન સહિત દેશભરના એન્જિનમાં આ સિસ્ટમ લગાવાની યોજના છે. આ સિસ્ટમથી માનવીય ભૂલથી થનારા અકસ્માતના કારણો સરળતાથી જાણી શકાશે.પશ્ચિમ રેલવે દ્વારા વધુ એક પહેલ કરાઈ છે. જેના પગલે રેલવે એન્જિનમાં ડ્રાઈવરના કેબીનની અંદર અને બહાર નાઈટ વિઝન કેમેરા લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કે ૧૮ એન્જિનમાં કેમેરા લગાવવામાં આવ્યા છે. આ પ્રોજેકટની સફળતા બાદ દેશભરના રેલવે એન્જિનોમાં નાઇટ વિઝન કેમેરા લગાવવાનું આયોજન છે.