છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત કૃષિ નિકાસના ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. દેશ-વિદેશમાં ભારતની નાની ડુંગળીની વધુ ડીમાંડમાં છે, ભારતમાં દર વર્ષે લગભગ ૨૦૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે. કુલ ઉત્પાદનના ૯૦ ટકા સુધીનો ઉપયોગ સ્થાનિક વપરાશ માટે થાય છે જ્યારે બાકીનો સ્ટોક નિકાસ કરવામાં આવે છે. ભારત દર વર્ષે ઘણા દેશોમાં ડુંગળીની નિકાસ કરે છે. જો ભારતની વાત કરીએ તો અહીં ડુંગળીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે.
ગુજરાત બીજા નંબરે છે. હરિયાણા, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનના ખેડૂતો પણ મોટાપાયે ડુંગળીની ખેતી કરે છે. આ ખેડૂતોને પણ નિકાસ વધારીને ફાયદો થાય છે, ત્યાં ગયા મહિને જ વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશ આ વખતે કૃષિ નિકાસના ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની કૃષિ નિકાસ ઇં૫૦ બિલિયનને પાર થવાની ધારણા છે. મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું હતું કે વર્તમાન વૃદ્ધિ સ્તરને જોતાં, ભારતની કૃષિ નિકાસ પ્રથમ વખત ઇં ૫૦ બિલિયનનો આંકડો પાર કરી શકે છે, જે ઈતિહાસમાં સૌથી વધુ હશે. તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યાં ભારત કૃષિ નિકાસના ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આપણા દેશમાંથી નિકાસ થતી ખાદ્ય ચીજોની સાથે અનાજ, શાકભાજી, ફૂલો અને ફળોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળે છે.
નાની ડુંગળીની નિકાસના મામલે પણ ભારત નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. ૨૦૧૩થી અત્યાર સુધીમાં ૪૮૭ ટકાનો વધારો જોવા મળ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપતા તેમણે લખ્યું છે કે, ભારતની નાની ડુંગળીની વૈશ્વિક નિકાસમાં ૪૮૭ ટકાનો વધારો થયો છે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૧૩માં ૨ મિલિયન ડોલરની નિકાસ થઈ હતી જે એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧માં વધીને ૧૧.૬ મિલિયન ડોલર થઈ ગઈ છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે નાની ડુંગળીએ મોટો ઉછાળો આપ્યો છે અને નિકાસમાં ૪૮૭ ટકાનો વધારો નોંધાયો છે. તેમણે કહ્યું કે આ ઐતિહાસિક વધારો છે અને ખેડૂતોને ઉત્પાદનનો લાભ મળી રહ્યો છે. સૌથી વધુ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં આ વખતે ડુંગળીના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે.
કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ઉનાળામાં ઉગાડવામાં આવતી ડુંગળીના ઉત્પાદનમાં ૩૦ ટકાનો વધારો થયો છે. જો ભારત સરકાર નિકાસ નીતિમાં કોઈ ફેરફાર નહીં કરે તો તેનાથી ખેડૂતોને ફાયદો થશે. ઘણી વખત દેશમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકાર નિકાસ પર પ્રતિબંધ મૂકે છે.