રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ-વાવ-રાડકા સહિતના વિસ્તારોમાં થયેલા તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને નુકશાન તથા સર્જાયેલી વિકટ સ્થિતીને પહોચી વળવા રાજ્ય સરકારે સઘન આયોજન હાથ ધર્યુ છે. કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવએ આ આયોજન તથા તીડ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે હાથ ધરાયેલા પગલાંઓની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી. રાજ્યના કૃષિ-સહકાર અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે આ સંદર્ભમાં જણાવ્યું કે, થરાદ તાલુકાના ૪ ગામોની આસપાસ મોટા પ્રમાણમાં જોવા મળેલા તીડનો ભારત સરકારના લોકસ્ટ કંટ્રોલની ૧૯ ટીમ તથા રાજ્ય સરકાર અને સ્થાનિક રપ ટ્રેકટર દ્વારા માઉન્ટેડ સ્પ્રેયરથી દવા છંટકાવ કરીને રપ ટકા તીડનો તો નાશ પણ કરી દેવામાં આવ્યો છે. કૃષિના અધિક મુખ્ય સચિવએ કહ્યું કે, આ તીડના આક્રમણને પરિણામે અંદાજે ૩-૪ હજાર હેકટર વિસ્તારમાં પાક નુકશાનની સંભાવના જણાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા નુકશાન વાળા ખેડૂતોને સહાય આપવાના દિશા નિર્દેશો કૃષિ વિભાગને આપેલા છે.
તદ્દઅનુસાર રાજ્ય સરકાર સરવે કરીને એસડીઆરએફના ધારાધોરણ મુજબ નુકશાની સહાય આપશે તેમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે ઉમેર્યુ કે ખેતીવાડી ખાતાની ફિલ્ડની ટીમો દ્વારા તીડની હાજરી અંગે સતત ટ્રેકિંગ કરવામાં આવે છે. અને રાત્રે જ્યાં તીડનું ઝુંડ સેટલ થાય તેનું લોકેશન ગુજરાતની ટીમો દ્વારા રાત્રે શોધી ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમો તથા ટ્રેકટર માઉન્ટેડ ગુજરાતની ટીમોનું દળ બનાવી વહેલી સવારે ૭ થી ૧૧ કલાક સુધી દવા નો છંટકાવ કરી તીડોનું નિયંત્રણ કરવામાં આવે છે. ૨૪/૧૨ સુધી લોકસ્ટ કંટ્રોલ ટીમની મદદથી કુલ ૧૮૧૫ હેક્ટરમાં જંતુનાશક દવા મેલાથીઓન ૯૬% નો છંટકાવ કરી તીડનું નિયંત્રણ કરવામાં આવેલું છે.
મેલેથીયોન ૯૬% દવા ખૂબ જ ઝેરી પ્રકારની હોય જ્યાં પડતર વિસ્તાર હોય અને તીડોએ રાતવાસો કર્યો હોય ત્યાં છંટકાવ કરવામાં આવે છે. આજુબાજુના વિસ્તારના લોકો જાતે અથવા તો પશુ લઈ દવા છંટકાવ વાળા વિસ્તારમાં ન આવે તે માટેની તકેદારી પણ રખાય છે એમ અધિક મુખ્ય સચિવએ જણાવ્યું હતું. પૂનમચંદ પરમારે એમ પણ જણાવ્યું કે બપોર પછી દિવસ દરમિયાન તીડ ઊંચા ઉડતા હોય છે જેથી આ સમયે તેનું નિયંત્રણ કરવું શક્ય બનતું નથી. રાત્રીના સમયે તેઓ બેસી જાય છે પરંતુ રાત્રિના સમયે તીડ દ્વારા તેના શરીર પરના છિદ્રો સંકોચી લેવામાં આવે છે અને શ્વસનક્રિયા ધીમી હોય છે જેથી રાત્રિના સમયે દવા છંટકાવ કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ મેળવી શકાતું નથી. આથી સવારે સૂર્યોદય પછી દવા છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવે છે. તીડ નિયંત્રણ માટે બનાસકાંઠા અને કચ્છમાં ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ કચેરીઓ કાર્યરત છે.