રાજ્ય સરકારે ગુજરાત વીજ નિયમન આયોગ(જીઇઆરસી) સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, રાજ્યના વીજ વપરાશ ગ્રાહકો પર વીજ ભારણનો બોજો ભાવ વધારાના સ્વરૂપે ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વીજ વિતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે. જેને કારણે વીજ વિતરણ દરમિયાન થતા વીજ વિતરણ લોસમાં ઘટાડો આવશે, વીજ ખરીદી તથા વીજ વિતરણ કંપનીઓની કાર્ય શક્તિમાં વધારો થશે અને રૂ. ૮૮૨ કરોડનું વીજ ભારણ સરભર કરી શકાશે. ઊર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ વસુલાત પાત્ર રાજસ્વની ૨કમ રૂ. ૫૨,૩૯૮ કરોડ થાય છે, જેની સામે હયાત વીજ દર અને મંજૂર કરેલ વીજ વેચાણ (૮૭,૮૨૪ મિલિયન યુનિટ્સ) મુજબ વીજ ગ્રાહક પાસેથી થનાર અંદાજીત આવક રૂ. ૫૧,૫૦૭ કરોડ થાય છે. આમ વર્ષ ૨૦૨૦-૨૧ માટે હયાત વીજ દર મુજબ ખાધની કુલ રકમ રૂ.૮૮૨ કરોડ થાય છે. એમવાયટી રેગ્યુલેશન મુજબ આ ખાધની ૨કમ ગ્રાહકના વીજ દ૨માં વધારા રૂપે વસુલ કરવાની થાય છે. આ રૂ. ૮૮૨ કરોડની ખાધનું ભારણ જો તમામ કક્ષાના વીજ ગ્રાહકના દરમાં સમાન રીતે વધારો સૂચવવામાં આવે તો આશરે રૂ. ૦.૧૦ પ્રતિ યુનિટ થાય છે. જ્યારે આ ભારણ જો ખેત વિષયક ગ્રાહકો સિવાયના અન્ય તમામ ગ્રાહકો પર લાદવામાં આવે તો આશરે રૂ. ૦.૧૩ પ્રતિ યુનિટ થાય છે.
ઊર્જા મંત્રીએ ઉમેર્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે કે જ્યાં ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માંગેલ નથી. રાજ્યમાં ખેતી વિષયક વીજ વપરાશ પ્રતિ વર્ષ વધતો જાય છે એની સામે વીજ દરની સબસિડીને કારણે સરકારી ભારણ વધતું હોવા છતાં અંદાજે બે લાખ કૃષિ વિષયક વીજ ગ્રાહકોના હિતમાં એક સમાન વીજ દરનો મહત્વનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
સામાન્ય ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા અને વીજ દરના વધારાના ભારણથી મુક્ત રાખવાના આશયથી વીજ વિતરણ કંપનીઓએ વર્ષ ૨૦૧૮-૧૯ના ટ્રુ-અપ અને વર્ષ ૨૦૨૦-૨૧ના વીજ દર નક્કી કરવા માટે વીજ નિયમન આયોગ સમક્ષ દાખલ કરેલ પીટીશન અંતર્ગત વીજ દરમાં કોઈ વધારો માંગેલ નથી.