લગ્નગાળાની મોસમ ચાલી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં તસ્કરો સક્રિય બન્યા છે. રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા જયરાજ પ્લોટ સોસાયટી વિસ્તારમાં રહેતા વેણુગોપાલ પરિવાર સાથે લગ્નમાં ગયા હતા અને પાછળથી બંધ મકાનનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. તસ્કરોએ દાગીના, રોકડ રકમ સહિત રૂ.૧૨ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. તસ્કરોએ ઘીના ડબા અને ઘઉં પણ ચોરી લીધા હતા. આ અંગે પોલીસને જાણ થતા દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવને પગલે રાજકોટ શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. દરમ્યાન તસ્કરો ત્રાટકયા તે પરિવારના વેણુગોપાલ શ્યામલાલે જણાવ્યું હતું કે, હું મૂળ નિવાસી જોધપુર રાજસ્થાનનો છું, તા.૨૨ નવેમ્બરે અમે પરિવાર સાથે લગ્ન માટે નીકળ્યા હતા. ગઇકાલે રાત્રે આવ્યા હતા. મેઇન ડેલાને તાળુ મારેલું હતું અને અંદર આવીને જોયું તો મેઇન દરવાજાનું તાળુ તૂટેલું પડ્યું હતું. પછી અંદર આવીને જોયું તો ઘરમાં બધુ વેરવિખેર પડેલું જોયું હતું. તસ્કરો લોકરમાં દાગીના પડ્યા હતા તે પણ લઇ ગયા હતા. પર્સમાં સેવિંગ રૂપિયા પણ લઇ ગયા છે. ટોટલ ૧૧થી ૧૨ લાખનો મુદ્દામાલ ચોરી ગયા છે. એટલે સુધી કે, ચોખ્ખા ઘીના ડબા અને ઘઉં પણ તસ્કરો લઇ ગયા છે. હું સોની કારીગીરનું કામ કરૂ છું સોની બજારમાંથી કામ લઇ આવું છું. રાત્રે જ પોલીસ બોલાવી લીધી હતી. પોલીસે હવે બનાવને લઇ સમગ્ર તપાસ હાથ ધરી છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.