ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ડેંગ્યુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. એકબાજુ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારો ડેંગ્યુના સકંજામાં છે. બીજી બાજુ અમદાવાદમાં પણ ડેંગ્યુના નવા મામલાઓ સતત સપાટી ઉપર આવી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં ડેંગ્યુ હજુ બેકાબુ બનેલો છે. સૌરાષ્ટ્ર પંથકમાં ડેન્ગ્યુનો વાવડ અને હાહાકાર જારી રહ્યો છે, આજે પણ સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુના ખપ્પરમાં એક મહિલા સહિત વધુ બેનો ભોગ લેવામાં આવ્યો હતો. જેને પગલે સમગ્ર પંથકમાં હવે ડેન્ગ્યુને લઇ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટના ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા અને ગોંડલમાં ઓટો ગેરેજનું કામ શીખતા વિશાલ જાદવભાઈ સખીયાનું સોમવારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે રાજકોટના મોરબી રોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતી ભારતીબેન નામની મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજતા છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં ડેન્ગ્યુના કારણે બે મોત નોંધાયા હતા. ભારતીબેન છેલ્લા ચાર દિવસથી સારવાર લઇ રહ્યા હતા. અચાનક બેભાન થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડેન્ગ્યુ પોઝીટીવ હોઇ સારવાર લઇ રહ્યા હતા તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. દરમ્યાન ડેન્ગ્યુના કારણે મૃત્યુ પામનાર વિશાલના પિતા જાદવભાઈએ જણાવ્યું હતું કે, વિશાલ બે બહેનોનો એકનો એક ભાઇ હતો અને છેલ્લા કેટલાક મહિનાથી ગોંડલમાં મોટર સાયકલ ગેરેજમાં રીપેરીંગ શીખતો હતો, છેલ્લા અઠવાડિયાથી તેને તાવ આવી રહ્યો હોય ચરખડી અને ગોંડલમાં સામાન્ય સારવાર લીધી હતી તેમ છતાં પણ તબિયત ન સુધરતા વધુ સારવાર માટે રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ગોંડલ શહેર અને તાલુકામાં ડેન્ગ્યુ મેલેરીયાના તાવે અજગર ભરડો લીધો છે. ઘરે ઘરે માંદગીના ખાટલા બિછાયા છે. ખાનગી કે સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે. ડેન્ગ્યુની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોઇએ તો જામનગર જિલ્લામાં જોવા મળી છે. જામનગર જિલ્લામાં ડેન્ગ્યુને કારણે ચાલુ વર્ષ દરમ્યાન ૧૭ના મોત નીપજ્યા છે તો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ડેન્ગ્યુનો કહેર યથાવત છે. ડેન્ગ્યુ અને કોંગો ફિવરએ માઝા મૂકી છે ત્યારે સ્થાનિક લોકોમાં હવે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ડેંગ્યુનો આતંક અકબંધ રહ્યો છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હોવા છતાં ડેંગ્યુના રેકોર્ડ કેસ નોંધાયા છે. આંકડા પર નજર કરવામાં આવે તો માત્ર નવેમ્બર મહિનામાં ૨૩ દિવસના ગાળામાં ૬૫૧ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પહેલીથી ૧૬મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ડેંગ્યુના ૪૫૪ કેસો નોંધાયા હતા. ડેંગ્યુના કેસોમાં તીવ્ર વધારો નોંધાયો છે. ૨૦૧૮માં ડેંગ્યુના ૩૩૨ કેસ નોંધાયા હતા જેની સામે આંકડો ૨૦૧૯માં પહેલાથી જ બે ગણો થઇ ચુક્યો છે અને આંકડો ૬૫૧ ઉપર તો નવેમ્બરના અંત સુધી જ પહોંચી ગયો છે.