ભારત વિશ્વમાં ‘સીઓપીડી રાજધાની’ બની ગયું છે. સીઓપીડીની ગંભીરતા એ હકીકતથી જોઈ શકાય છે કે ભારતમાં વિશ્વનીતુલનામાં સૌથી વધુ સીઓપીડીના કેસ જોવા મળે છે અને સીઓપીડીના કારણે મૃત્યુના મામલે ભારત બીજા ક્રમે રહેતો દેશ છે. સીઓપીડીથી એઈડ્સ, ટીબી, મેલેરિયા, ડાયાબિટીસ જેવા રોગો કરતાં પણ વધુ મોત થાય છે. ચિંતાજનક આંકડાઓ પછી પણ સીઓપીડી મામલે દેશભરમાં સૌથી વધુ અવગણના થાય છે.
આ અંગે લાયન્સ ક્લબના સહયોગથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડો. નરેન્દ્ર બી. રાવલ, ડો. વૈશલ ડી. શેઠ, ડો. કલ્પેશ ટી. પંચાલ, ડો. અવકાશ એ. પટેલ અને ડો. શ્વેતાંગ જાનીએ માહિતી અર્પિત કરી. અન્ય એક ગંભીર પરિબળ એ છે કે વિલંબિત સીઓપીડી નિદાન અને નબળા સીઓપીડી મેનેજમેન્ટના લીધે સ્થિતિ વધુ વણસે છે અને દર્દીને તે ‘લંગ એટેક’ તરફ દોરી જાય છે
આપણા ફેફસાં જેમ વય વધે તેમ તેના લક્ષણો આક્રમક રીતે દર્શાવવા લાગે છે, જેમકે આપણે 20-25 વર્ષની વયના હોઈએ ત્યારે આપણા ફેફસાં યોગ્ય રીતે કામ કરતા હોય છે પણ વય વધવાની સાથે તેની કામગીરીમાં ઘટાડો થતો હોય છે. આના કારણે વય વધે તેમ શ્વાસ લેવામાં થોડી વધારે તકલીફ થવા લાગે છે.
આ અંગે ડો. નરેન્દ્ર રાવલ, ટી. બી. અસ્થમા, પલ્મોનરી ડીસીસીઝ સ્પેશિયાલિસ્ટ એ જણાવ્યું કે, ‘જોખમી પરિબળોનો સતત સામનો અને શ્વસન સંબંધિત ચેપથી સ્થિતિ વધુ વણસે છે. જાગૃતિના અભાવે, તેના લક્ષણો અને અસરો નોંધપાત્ર રીતે લોકોને મદદ મેળવવામાં મુશ્કેલી સર્જે છે અને તેઓ પ્રાઈમરી કેર ફિઝિશિયન પાસે જતા નથી. એટલું જ નહીં તેઓ જનરલ પ્રેક્ટિશનર પાસે જાય તો ત્યારે તેમનું નિદાન સચોટ ન થાય એવું પણ બની શકે છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું, ‘લંગ એટેકનું નિદાન ઘણીવાર સીઓપીડીના ખરાબ લક્ષણોના પ્રમાણ પરથી થાય છે જેમાં સામાન્ય કરતાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય, ડોક્ટર દ્વારા થયેલા પરીક્ષણના તારણો, શ્વાસમાં ખરખરાટી અને ટૂંકા શ્વાસ લેવાય જેવા લક્ષણો સામેલ હોય છે. લંગ એટેકના લક્ષણો અને સંકેતો ઓળખવા અને ફિઝિશિયન પાસેથી સમયસરની મદદ મેળવવી એ આ રોગના વિકાસને વધુ ગંભીર બનવતા અટકાવવાનો સૌથી ઉત્તમ માર્ગ છે. લંગ એટેકમાં તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય છે અને જો તેની સારવાર ન કરવામાં આવે તો તે ઘાતક નીવડી શકે છે.’
લંગ એટેક હંમેશા રોકી શકાતો નથી પણ કેટલીક સાવધાનીની મદદથી તેની સંખ્યા અને ફ્રિકવન્સીને ઘટાડવામાં મદદ મળે છે. આ સાથે લંગ એટેકને ઈનહેલર્સથી એરવેને ખોલવામાં મદદ મળે છે અને સોજાને ઘટાડી શકાય છે. જો તેના લક્ષણો ગંભીર જણાય તો વ્યક્તિએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.
ફેફસાં સામાન્ય રીતે ઓક્સિજનને આપણા શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે અને કાર્બન ડાયોક્સાઈડને દૂર કરવાનું કામ કરે છે. લંગ એટેકથી તેમાં ખલેલ પહોંચે છે જેથી આપણે વધુ સારી રીતે શ્વાસ લેવામાં સપ્લીમેન્ટલ ઓક્સિજનની જરૂર પડી શકે છે.
લંગ એટેકને નિયમિતપણે દેખરેખ રાખીને ઓળખી શકાય છે અને પીક ફ્લો મીટરનો ઉપયોગ કરીને પીક એક્સપાયરેટરી ફ્લો રેટ નોંધી શકાય છે. સ્પાઈરોમેટ્રી સૌથી કોમન લંગ ફંક્શન ટેસ્ટ છે. તે સીઓપીડીના નિદાન માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. તે માપે છે કે તમે કેટલી ઝડપથી અને કેટલા પ્રમાણમાં ફેફસાંમાંથી હવાને બહાર કાઢી શકો છો જે સ્પાયરોમીટરની મદદથી થઈ શકે છે.
સીઓપીડીના લક્ષણો અંગે જાગૃતિ, સમયસર નિદાન અને યોગ્ય સારવારથી દર્દીને લંગ એટેક રોકવામાં મદદ મળે છે.